સુરતમાં રાંદેર-કતારગામને જોડતો કોઝવે 50 દિવસે ખુલ્યો
છેલ્લાં કેટલાંક દિવસોથી વરસી રહેલાં વરસાદને પગલે સુરતમાં પણ વરસાદના પહેલા રાઉન્ડમાં ભારે વરસાદના પગલે રાંદેર અને કતારગામને જોડતો કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેથી તંત્ર દ્વારા કોઝ-વે વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. જો કે હવે વરસાદે વિરામ લેતાં તાપી નદીની સપાટીમાં ઘટાડો થતાં આજે 50 દિવસ બાદ કોઝવે વાહન વ્યવહાર માટે ખુલો મૂકવામાં આવ્યો છે. જેથી હવે રાંદેર અને કતારગામના લોકોને લાંબા ચકરાવામાંથી રાહત મળશે.
ઉલ્લેખનિય છે કે, જૂન મહિનામાં સુરત સહિત જિલ્લામાં વરસાદનો પહેલો રાઉન્ડ શરૂ થયો હતો અને આ પહેલા રાઉન્ડમાં જ ભારે વરસાદના પગલે તાપી નદીની સપાટીમાં ભારે વધારો થયો હતો જેથી રાંદેર અને કતારગામને જોડતા કોઝ-વે પરથી પાણી ફરી વળ્યા હતા અને કોઝ-વે ખાતે સપાટી 6 મીટરથી વધુ થતાં તંત્ર દ્વારા 29 જૂનના રોજ કોઝ-વે વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.
જોકે હવે વરસાદે વિરામ લેતાં હાલ કોઝ-વે ખાતે તાપી નદીની સપાટી 5.67 મીટર પર સ્થિર છે જેથી તંત્ર દ્વારા કોઝ-વેને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે.