Surat:’સ્વચ્છતા ત્યાં પ્રભુતા’નો મંત્ર થયો ચરિતાર્થ
સુરતમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન’
સુરત રેલવે સ્ટેશન ખાતે સાફ-સફાઈમાં સહભાગી થયાં મેયર દક્ષેશભાઈ માવાણી
મનપા અધિકારીઓ, રેલવે સ્ટાફે સફાઈ ઝુંબેશમાં જોડાઈ શ્રમદાન કર્યું
આજે તા.૧૫મીએ પવિત્ર નવરાત્રિ પર્વના પ્રથમ નોરતે બે માસ માટે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે જેના ભાગરુપે આજરોજ સમગ્ર રાજ્યમાં બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનની સઘન સાફ સફાઈ કરી અભિયાનનો પ્રારંભ થયો છે ત્યારે પૂજ્ય ગાંધીજીના ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ ના મંત્રને ચરિતાર્થ કરી ‘સ્વચ્છતા હી સેવા- ૨૦૨૩’ ઝુંબેશમાં સક્રિય સહયોગ આપવા સાથે સ્વચ્છ-સ્વસ્થ અને નિર્મળ ગુજરાતના નિર્માણ માટે સુરતના સ્વચ્છાગ્રહી નાગરિકો સંકલ્પબદ્ધ છે, ત્યારે સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી સહિત સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ, રેલવે કુલી એસોસિએશનના હોદ્દેદારો, રેલવે સ્ટાફ, સેનિટેશન સ્ટાફ તેમજ એન.જી.ઓ.ના પ્રતિનિધિઓની ટીમ સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશન ખાતે સઘન સફાઈ ઝુંબેશમાં જોડાયા હતા, અને રેલ્વે સ્ટેશન પરિસરની સાફસફાઈ કરી શ્રમદાન કર્યું હતું.
ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન ‘નિર્મળ ગુજરાત’ને સાર્થક કરવા માટે રાજ્ય સરકારે બે માસ માટે આ અભિયાનને વધુ આગળ વધાર્યું છે. જેના ભાગરૂપે આજે તા.૧૫મીએ બસ સ્ટેશન તથા રેલ્વે સ્ટેશનની સફાઈ ઝુંબેશ અંતર્ગત જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, નાગરિકોએ શ્રમદાન કર્યું હતું.