સુરત રેલવે સ્ટેશને ભારે ભીડમાં એકનું મોત, અનેકના શ્વાસ રૂંધાતાં પોલીસફોર્સ બોલાવાઈ
- દિવાળી અને છઠ્ઠ પૂજા માટે વતન જવા મુસાફરોના ભારે ધસારામાં રેલવે પ્લેટફોર્મ પર અફરાતફરીનો માહોલ સર્જાયો
- ટ્રેનમાં ચઢતી વેળા અનેક પટકાયા, દબાયા, અનેકના શ્વાસ રૂંધાયા, સંખ્યાબંધને પ્લેટફોર્મ પર સારવાર, બેને હોસ્પિટલ ખસેડવા પડ્યાં
સુરત રેલવે સ્ટેશને વતનની વાટ પકડવા માટે પરપ્રાંતિય હજારો મુસાફરોની ભીડને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં અનેક મુસાફરો ટ્રેનમાં ચઢતી વખતે પટકાયા હતાં અને કેટલાક ભીડમાં દબાયા હતાં. આ પૈકી પાંચેક જણાંની હાલત ગંભીર બનતાં તેમને પ્લેટફોર્મ પર જ સીપીઆર સારવાર આપવી પડી હતી. બે વધુ ગંભીર હોવાથી તેમને હોસ્પિટલ ખસેડાયા હતાં, જ્યાં એક મુસાફરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. સુરત રેલવે પ્લેટફોર્મ્સની ગંભીર સ્થિતિને પગલે તાત્કાલિક પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
લાખ્ખો પરપ્રાંતિયો રોજી-રોટી, વેપાર-ધંધા માટે સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં સ્થાયી થયા છે. આ લોકો હોળી-દિવાળી, છઠ્ઠપૂજા જેવા તહેવારો પોતાના વતનમાં પોતાના પરિવારો સાથે ઉજવવાનો આગ્રહ રાખતા હોય છે, જે સ્વાભાવિક પણ છે. પરંતુ લાખ્ખો પરપ્રાંતિયોના વતન જવા માટે પબ્લિક ટ્રાન્સ્પોર્ટેશનની સુવિધા આજદિન સુધી યોગ્ય બની શકી નથી. જેને કારણે આ દરેક તહેવારોમાં પરપ્રાંતિયોની ભીડ અને અફરાતફરી જોવા મળતી હોય છે. પ્રાઈવેટ ટ્રાન્સ્પોર્ટેશન એટલે કે ટેક્સી જેવા વાહનો, લક્ઝરી બસોવાળા ઉઘાડી લૂંટ ચલાવતાં હોવાથી નોકરિયાત, મધ્યમવર્ગ માટે એકમાત્ર પર્યાય રેલવે અને એસટી બસ હોય છે.
આજે કાળી ચૌદસના દિવસે સુરત રેલવે સ્ટેશને ગણતરીના કલાકોમાં જ મુસાફરોનું કિડીયારૂં ઉભરાવું શરૂ થઈ ગયું હતું. જોતજોતામાં પ્લેટફોર્મ પર એટલી ખીચોખચ ભીડ થઈ ગઈ હતી કે મોકળાશનો કોઈ અવકાશ બચ્યો ન હતો. એવામાં ટ્રેન આવતાં તેમાં ચઢવા માટે મુસાફરોએ પડાપડી શરૂ કરતાં અનેક મુસાફરો પટકાયા હતાં, કેટલાક ભીડમાં દબાઈ ગયા હતાં. સ્થિતિ જોતાં પોલીસ દોડતી આવી હતી. અનેક મુસાફરોના શ્વાસ રૂંધાતાં તેમને તુરંત સીપીઆર ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. કહેવાય છે કે ભીડમાં શ્વાસ રૂંધાતાં પાંચેક મુસાફરોની હાલત વધુ બગડી હતી. જે પૈકીના બે તો બેહોશ થઈ જતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા પડ્યાં હતાં. જ્યાં એકનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી નવસારીથી પોતાનો કાર્યક્રમ ટૂંકાવી સુરત આવી રહ્યાં છે. તો બીજી તરફ રેલવે મંત્રી દર્શનાબેન જરદોશ પણ મૃતક અને સારવાર હેઠળના મુસાફરોને મળવા માટે સ્મિમેર હોસ્પિટલ દોડ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.