સુરતના પાંડેસરામાં સામાન્ય તકરારમાં બે મિત્રોએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો
સુરતના પાંડેસરામાં મહાનગરપાલિકાના ગાર્ડનમાં મિત્રોએ જ મિત્રની હત્યા કરી હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે. આ તમામ મિત્રો સાથે ગાર્ડનમાં ફરવા ગયા હતા જે દરમિયાન તેમની વચ્ચે સામાન્ય બોલાચાલી થતા લાકડાના ફટકા વડે હુમલો કરી મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો ત્યારે મામલે પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યા કરનાર મિત્રોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશ નગરમાં રહેતા કલ્લુ નિશાદ કાપડના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગતરોજ સાંજે કલ્લુ પાંડેસરાના ગુરુકૃપા ઇન્ડસ્ટ્રીયલમાં આવેલા મહાનગરપાલિકાના ગાર્ડનમાં ચાર મિત્રો ફરવા ગયા હતા. આ દરમિયાન મિત્રો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી જે બાબતે બે મિત્રો લાકડાના ફટકા વડે કલ્લુ ઉપર જીવલેણ હુમલો કરીને ભાગી ગયા હતા.
બાદમાં પાલિકાના ગાર્ડનમાં સિક્યુરિટી ગાર્ડે કલ્લુને લોહીલુહાણ હાલતમાં જોતાં તાત્કાલિક આજુબાજુના લોકોને બોલાવતા લોકો દોડી આવ્યા હતા અને 108ને જાણ કરી યુવકને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
બનાવની જાણ પાંડેસરા પોલીસને કરવામાં આવતા પોલીસે આજુબાજુમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી જેમાં બહાર આવ્યું હતું કે, કલ્લુ તેના ચાર મિત્રો સાથે ગાર્ડનમાં ફરવા આવ્યો હતો તે સમયે કલ્લુની મિત્રો સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી બાદમાં મિત્ર સુમિત અને અન્ય મિત્રોએ કલ્લુ પર લાકડાના ફટકા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી અને ફરાર થઈ ગયા હતા
મૃતક કલ્લુ મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે. છેલ્લા કેટલાક વર્ષથી પાંડેસરાના ગણેશનગરમાં પરિવાર સાથે રહેતો હતો. કલ્લુને પરિવારમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે તેની હત્યાના કારણે ચાર બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.