Surat:પાંચ દિવસના બાળકના અંગોનું કરાયું દાન:ભારતનો પ્રથમ કિસ્સો
સુરત સેવાકીય પ્રવૃતિમાં હંમેશા મોખરે રહ્યું છે ત્યારે અંગદાન માટે પણ સદા અગ્રેસર રહે છે ત્યારે આજે માત્ર પાંચ જ દિવસના બાળકના અંગદાન માટે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા પરિવારને સમજાવીને એક અનોખું પ્રેરણાદાયી ઉદાહરણ પુરું પાડ્યું છે. આ સાથે જ બાળકોના અંગદાનમાં સંભવત: ભારતનું સૌથી નાની વયનું અંગદાન કરનાર સુરતનું બાળક બન્યું છે જ્યારે વિશ્વમાં જન્મના કલાકોમાં અંગદાન કરનાર આ બીજું જ બાળક છે.
સુરતના વાલક પાટીયા પાસે ગીતાંજલી રો હાઉસમાં રહેતા અને મૂળ અમરેલી નજીકના માળીલાના વતની હર્ષભાઈ અને ચેતનાબેન સંઘાણીના ઘરે ૧૩ ઓક્ટોબરના રોજ દિકરાનો જન્મ ડૉ. સંજય પીપળવા કલરવ હોસ્પિટલમાં થયો હતો. જન્મ પછી બાળક હલનચલન કરતું ન હતું કે એ રડ્યું પણ ન હતું તેથી તેને હોસ્પીટલમાં દાખલ કર્યું હતું જ્યાં તેને વેન્ટીલેટર ઉપર રાખીને અનેક પ્રકારની તપાસ કરવામાં આવી હતી અને તપાસ કરતા બાળકને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યું હતુ. આવા આઘાતના સમયમાં પણ પરિવારજનોએ બાળકના અંગદાનનો નિર્ણય લીધો હતો.
અંગદાનની સંમતિ મળ્યા બાદ તેના વિવિધ ટેસ્ટ કરાવ્યા હતા અને અંગદાન માટે બાળકને પી.પી.સવાણી હોસ્પીટલમાં ખસેડ્યું હતું. IKDRCની મદદથી બાળકની બે કીડની, બે આંખ,બરોળ અને લીવરનું દાન લેવામાં આવ્યું હતું. બાળકના તમામ અંગ પણ નાના બાળકોમાં જ ટ્રાન્સપ્લાન્ટ થઈ રહ્યા છે. બંને કિડની અને બરોળ IKDRC અમદાવાદ, લીવર દિલ્હી ILDS હોસ્પિટલ, અને આંખ લોકદ્રષ્ટિ ચક્ષુબેન્ક, સુરતને અપાયા છે.