સુરત સિવિલની નર્સિંગ ટીમ તુર્કી ભૂકંપ અસરગ્રસ્તોની મદદે જવા તત્પર
- ધી ટ્રેઈન્ડ નર્સિસ એસો. ઓફ ઈન્ડિયાની ગુજરાત બ્રાન્ચની પહેલઃ મુખ્યમંત્રી ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રીને 75 નર્સિસનું લિસ્ટ મોકલ્યું
- એડવાઈઝર ઈક્બાલ કડીવાલાએ ભૂતકાળના ભૂકંપ-રેલ જેવી આપત્તિઓમાં બજાવેલી સેવાઓના ઉલ્લેખ સાથે તુર્કી મદદે જવા તત્પરતા બતાવી
કુદરતે તુર્કીને મોટી કાળથપાટ મારી છે અને વિનાશક ભૂકંપમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. હજારો લોકો ઈજાગ્રસ્ત છે, બેઘર બન્યા છે અને દસથી વધુ શહેરોમાં કટોકટી જેવી સ્થિતિ છે. ત્યારે વિશ્વભરમાંથી તુર્કી તેમજ સીરિયા જેવા અસરગ્રસ્ત દેશો માટે સહાયનો ધોધ વહેવા લાગ્યો છે. ભારતે પોતાની વિશેષ ટીમો બચાવ-રાહત કાર્યો માટે મોકલી દીધી છે. તો સુરતની એક જાંબાઝ નર્સિંગ ટીમે પણ તુર્કી ભૂકંપના અસરગ્રસ્તોની મદદે જવા તત્પરતા દાખવી છે.
ધી ટ્રેઈન્ડ નર્સિસ એસો. ઓફ ઈન્ડિયાના ગુજરાત બ્રાન્ચના એડવાઈઝર ઈક્બાલ કડીવાલાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે સુરત બ્રાન્ચની એક મેડિકલ રિલીફ ટીમ અસ્તિત્વમાં છે અને આ અનુભવી ટીમે તુર્કીના અસરગ્રસ્તોની મદદે જવા માટે તૈયારી બતાવી છે. ગુજરાત બ્રાન્ચના પ્રમુખ દિપકમલ વ્યાસ અને સેક્રેટરી કિરણ દોમડીયાએ રિલીફ ટીમના 75 સભ્યોના નામો સાથેનો એક પત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો છે. ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા તેમજ ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પણ આ પત્રની કોપી પહોંચાડી છે.
પત્રમાં જણાવાયું છે કે નર્સિંગ વડા ઈક્બાલ કડીવાલાના નેતૃત્વમાં બનેલી સુરત નવી સિવિલ હોસ્પિટલની મેડિકલ રિલીફ ટીમ વિશેષ પ્રકારે તાલીમ પામેલી અને ભૂતકાળની ઈમરજન્સીમાં કામની અનુભવી છે. મહારાષ્ટ્રના લાતૂરના ભૂકંપ, ભૂજ અને નેપાળના ભૂકંપ ઉપરાંત પૂર જેવી આપત્તિઓમાં પણ અનેક વખત આ ટીમે અસરગ્રસ્તોની મદદ કરી છે. જેથી તુર્કી કે અન્ય કોઈપણ અસરગ્રસ્ત દેશમાં જ્યારે પણ મદદની જરૂર જણાય ત્યારે આ ટીમ જવા તત્પર હોવાનું જણાવાયું છે. કડીવાલાએ જણાવ્યું હતું કે સરકાર જે ઘડીએ કહેશે અમે જવા તૈયાર છીએ.