સુરત પાલિકાએ માનદરવાજા ટેનામેન્ટના જર્જરિત આવાસના પાણી-ડ્રેનેજના જોડાણ કાપી નાંખ્યા
સચિન પાલીના જર્જરિત બિલ્ડિંગની દુર્ઘટનામાં સાત નિર્દોષે જીવ ગુમાવ્યા બાદ સુરત મહાનગરપાલિકાને લોકોના જીવ પ્રત્યે ઓચિંતી ચિંતા થઈ છે અને લાગણી ઉભરાઈ છે. ખાસ્સા વિરોધ વચ્ચે આજે માનદરવાજા ટેનામેન્ટના જર્જરિત આવાસોના નળ તેમજ ડ્રેનેજના જોડાણો કાપી નંખાતા ગરીબ પરિવારો રસ્તે આવી ગયા જેવી સ્થિતિ છે. પાલિકાની ટીમ પુરતા પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી અને વિરોધને કાને ધર્યા વિના જ કાર્યવાહી સંપન્ન કરી દીધી છે.
નવાઈની વાત તો એ છે કે માનદરવાજા ટેનામેન્ટના આવાસો એકાદ-બે દિવસ, બે-ચાર સપ્તાહ કે પાંચ-સાત મહિનામાં જર્જરિત થયા નથી. છેલ્લા પાંચેક વર્ષથી બિલ્ડિંગો જર્જરિત હાલતમાં આવી ગયા હતાં. એટલું જ નહીં, ટેનામેન્ટના રીડેવલપમેન્ટની પ્રક્રિયા પણ મનપાએ હાથ ધરી હતી, જો કે તે કોકડું ગુંચવાયેલું જ રહ્યું છે. રીડેવલપમેન્ટની પ્રક્રિયામાં પાલિકાના શાસકો કે અધિકારીઓએ કોઈ ખાસ ઉતાવળ પણ કરી નથી, કાયદાનો સાથ પણ લીધો નથી કે કોઈ વટહુકમ પણ વાપર્યો નથી, પોલીસનો સહકાર લીધો નથી. પરંતુ આજે ગરીબ પરિવારોને રસ્તે લાવવા માટે પાલિકાએ બધા હથિયારો એક સાથે વાપરી નાંખ્યા હોવાનો કકળાટ લોકો કરી રહ્યા છે.
હકીકતમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલા દ્વારા વર્ષોથી આ મુદ્દે રજુઆતો કરવામાં આવી રહી છે. જર્જરિત આવાસોમાં રહેતાં ગરીબ પરિવારોની પડખે રહીને સાયકલવાલાએ અનેક કક્ષાએ રજુઆતો કરી હતી, પરંતુ તે વાતને ધ્યાને લેવાઈ નથી. ગરીબ પરિવારોની વૈકલ્પિક આવાસ આપવા, ઘરના ભાડા આપવા સહિતની અનેક રજૂઆતો હતી, જે પણ ધ્યાને લેવાઈ નથી.
અલબત્ત હવે પાલિકાના શાસકો, અધિકારીઓએ જીવના જોખમે રહેતાં લોકોની સુરક્ષા માટે પાણી-ડ્રેનેજના કનેક્શન કાપવાનું શુભ કાર્ય ઉપાડ્યું છે, ત્યારે આટલા જ હોશથી, આટલી જ તાકાતથી, સંલગ્ન કાયદાઓનો સહારો લઈને ટેનામેન્ટના રીડેવલપમેન્ટનું કામ પણ હાથમાં લે તો તે ગરીબ પરિવારો માટે ભગવાન મળ્યા સમાન બનશે.