October 31, 2024

સુરત મનપા આખરે જાગીઃ પાંચ વર્ષ બાદ 3,755 ચો.મી. જમીનનો કબ્જો લીધો

  • લિંબાયત ઝોનમાં ટી.પી. સ્કીમ નં. 8ની ખુલ્લી જમીન અગાઉ પાલિકાએ જમાતે સુલેમાની ટ્રસ્ટને ફાળવી હતી
  • ટ્રસ્ટે અકસ્માત નિવારણ કેન્દ્રને જમીન ગેરકાયદે ફાળવી અને પે એન્ડ પાર્ક શરૂ કરી પાલિકાને મોટું આર્થિક નુક્સાન પહોંચાડાયું
  • પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાની રજૂઆતને આધારે 2017ના સ્થાયી સમિતિના ઠરાવનો છેવટે અમલ કરાયો

સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોન દ્વારા ટીપી સ્કીમ નં. 8 (ઉમરવાડા) સ્થિત રઘુકુલ માર્કેટ સામેની 3755 ચો.મી. સોનાની લગડી જેવી જમીનનો કબ્જો મેળવાયો હતો. હકીકતમાં પાલિકાની આ જમીન ઉપર ગેરકાયદે પે એન્ડ પાર્કનો ધંધો શરૂ કરી દેવાયો હતો. જેનો પાલિકાના પૂર્વ કોર્પોરેટર અને કોંગ્રેસી અગ્રણી અસલમ સાયકલવાલાએ વિરોધ કરતાં છેવટે પાલિકાએ આ જમીનનો કબ્જો પરત મેળવ્યો છે.

સમગ્ર હકીકત એવી છે કે 1979માં આ જમીન પાલિકા દ્વારા જમાતે સુલેમાની ટ્રસ્ટને ફાળવાઈ હતી. ઉક્ત જમીનનો ઉપયોગ માત્ર કબ્રસ્તાન માટે જ કરી શકાય અને જમીન અન્ય કોઈને ટ્રાન્સફર કરી શકાય નહીં તેવી શરતો હતી. જેનાથી વિપરીત ટ્રસ્ટે આ જમીન અકસ્માત નિવારણ કેન્દ્રને 2015ની અરજીને આધારે ફાળવી દીધી હતી અને શરતોનો ભંગ કર્યો હતો.

અકસ્માત નિવારણ કેન્દ્ર દ્વારા આ ખુલ્લી જમીનમાં કોઈપણ મંજૂરી વિના પે એન્ડ પાર્કનો ધંધો શરૂ કરી દેવામાં આવ્યો હતો. જેનો વિરોધ થતાં 2017માં સ્થાયી સમિતિએ આ જમીનનો કબ્જો પાલિકા પરત મેળવે તેવો ઠરાવ થયો હતો. જો કે પાંચ વર્ષ સુધી પાલિકાએ કોઈ કાર્યવાહી કરી ન હતી. અસલમ સાયકલવાલાએ અવારનવાર આ અંગે રજૂઆતો કરી હતી અને ગઈ તા. 17.12.2022ના રોજ પાલિકા કમિશનરને પત્ર લખી જમીનનો કબ્જો પરત મેળવવા વિનંતી કરી હતી. જેનો છેવટે સુરત મનપા દ્વારા અમલ કરી ખુલ્લી જમીનનો પ્રત્યક્ષ કબ્જો મેળવી લેવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *