Surat: મહુવાના ૩૦૦ વર્ષ જુના મંદિરમાં છે માતાજીની ચમત્કારિક મુર્તિ
નવરાત્રિ પર્વનું આજે બીજુ નોરતું
સુરતના મહુવામાં ૩૦૦ વર્ષ જુનું માતા મહાલક્ષ્મી અને ખોડિયાર માતાજીનું ભવ્ય મંદિર
૧૯૬૮ની રેલમાં મંદિર ડૂબી ગયા છતાં મંદિરમાં નુકસાન ન થયું
ગ્રામજનો અને રાજ્ય સરકારની સહાયથી વર્ષ ૨૦૦૮માં મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો
મંદિરમાં મહાલક્ષ્મી માતાની ૩૦૦ વર્ષ જૂની મૂર્તિ પ્રસ્થાપિત
સુરત જિલ્લાના મહુવા ગામ ખાતે પુર્ણા નદીના કિનારે માતા મહાલક્ષ્મી અને ખોડિયાર માતાજીનું ૩૦૦ વર્ષ જુનુ મંદિર આવેલું છે, જે ઈ.સ ૧૯૬૮મા આવેલી રેલમાં આખું ડૂબી ગયા છતાં મંદિરમાં ચમત્કારી રીતે કોઈ નુકસાન થયું ન હતું. મંદિરમાં મહાલક્ષ્મી માતાજીની અંદાજિત ૩૦૦ વર્ષ જૂની મૂર્તિ પ્રસ્થાપિત છે, તેમજ ડાબી બાજુ ખોડિયાર માતાજી અને જમણી બાજુ અંબે માતાજીની નવનિર્મિત મુર્તિ પ્રસ્થાપિત છે. આ મંદિરનો ઈતિહાસ ગામમાં રહેતા ૭૭ વર્ષીય પ્રકાશચંદ્ર રમેશલાલ ભટ્ટે જણાવ્યો હતો કારણ કે, પ્રકાશભાઈના વડવાઓ પાંચ પેઢીથી મંદિરની સંભાળ રાખતા હતા.
મંદિરના ઈતિહાસ વિષે પ્રકાશચંદ્રભાઈએ કહ્યું કે, ”આ મંદિર મારા વડવાએ ૫ બાય ૫ની સાઈઝમાં બનાવી એમાં પૂજા-અર્ચના કરવાની શરૂઆત કરી હતી અને આગળ પણ અમારી પેઢી દર પેઢી આ મંદિરની રક્ષા અને પૂજા ભક્તિ કરશે એવું વેચાણખતમાં મળી આવ્યું છે. જેથી મને આ મંદિરના ભવ્ય પૂન:નિર્માણ કરવાની પ્રેરણા મળતાં ગ્રામજનો પાસે મેં મંદિરના પુનઃનિર્માણ માટે પ્રસ્તાવ મુક્યો હતો, જેમાં ગ્રામપંચાયતના માર્ગદર્શન તેમજ સહાય દ્વારા મંદિરનો વર્ષ ૨૦૦૮માં જીર્ણોદ્વાર થયો.”
આ મંદિરમાં અનેક લોકો માનતા માને છે અને કાર્ય સફળ થાય તે મંદિરે આવી પૂજા અર્ચના કરે છે અને લોકોની બાધા-માનતા પુર્ણ થાય છે.