સુરતના કવિ કલાપી ગાર્ડનમાં હજારો માછલીઓના મોત
સુરતના અડાજણ ખાતે આવેલા કવિ કલાપી ગાર્ડનમાં અસંખ્ય માછલીઓ મૃત મળી આવતાં પાલિકાતંત્ર દોડતું થયું હતું. પાલિકાના રાંદેર ઝોને મરેલી માછલી તળાવમાંથી કાઢી તળાવની સફાઈની કામગીરી શરૂ કરી છે.
હજારોની સંખ્યામાં માછલીઓ મરી જતાં તળાવના પાણીમાથી દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી આ ફરિયાદ બાદ પાલિકાતંત્ર સફાળું જાગ્યું હતુ અને આજે પાલિકાના રાંદેર ઝોન દ્વારા તળાવમાંથી મરેલી માછલીઓને બહાર કાઢીને સફાઈની કામગીરી શરૂ કરી હતી. આ હજારો માછલીનાં મોતથી કચરાની ગાડી પણ ભરાઈ ગઈ હતી અને તળાવના પાણીમાંથી ફેલાઈ રહેલી દુર્ગંધને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે આ લેક ગાર્ડનમાં માછલી ક્યાંથી આવી અને કઈ રીતે મરી ગઈ એ જાણવા માટે પાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા તળાવના પાણીનાં સેમ્પલ લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવાની કવાયત શરૂ કરાઈ છે જેથી લેબમાં પાણીનાં સેમ્પલની ચકાસણી થયા બાદ માછલીઓનાં મોતનાં કારણો જાણી શકાશે.