Surat:ભાઠેના કોમ્યુનિટી હોલમાંથી પોલીસનો કબજો દુર કરી લોકઉપયોગી કરવા રજુઆત
સુરતના ભાઠેના ખાતે આવેલો કોમ્યુનિટી હોલ પર હાલમાં પોલીસ વિભાગનો કબજો હોય, સ્થાનિકો તેનો ઉપયોગ કરી શકતા નથી જેથી પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલા દ્વારા તેને લોકઉપયોગી કરવા બાબત મ્યુ.કમિશ્નર સમક્ષ રજુઆત કરવામાં આવી હતી.
વર્ષ 2017-18માં સુરત મહાનગરપાલિકા દ્વારા લિંબાયત ઝોનમાં ભાઠેના ખાતે લોકઉપયોગ માટે પ્રજાનાં પરસેવાની કમાણી માંથી ભવ્ય કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યો હતો અને સ્થાનિક લોકો દ્વારા આ હોલનાં બુકિંગને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો હતો પરંતુ કોરોનાકાળની પરિસ્થિતિમાં અને ત્યારબાદ સદર હોલને કોઈક કારણોસર પોલીસ વિભાગને ફાળવવામાં આવ્યો હતો. જો કે, હવે આશરે છેલ્લા અઢી વર્ષ કરતા વધુ સમયથી પ્રજા ઉપયોગી હોલમાં પોલીસ વિભાગનો કબ્જો છે અને એનો ઉપયોગ માત્ર પોલીસ તંત્ર કરી રહ્યું છે. ત્યારે આ કોમ્યુનિટી હોલમાં પોલીસ વિભાગનો કબ્જો હોવાથી સુરત મહાનગરપાલિકાને આર્થિક નુકશાન થઈ રહ્યું છે ઉપરાંત સ્થાનિક લોકોને શુભ પ્રસંગ કે અન્ય સામાજીક/ધાર્મિક/શૈક્ષણિક કાર્યક્રમ માટે મોંઘા ખાનગી પાર્ટી પ્લોટ/વાડી/હોલ રાખવાની ફરજ પડી રહી છે તેમજ આવનારા પ્રસંગો માટે ખાનગી જગ્યાઓ પર ના છૂટકે બુકિંગ કરવું પડે છે. જેથી સદર કોમ્યુનિટી હોલ સુરત મહાનગરપાલિકા દ્વારા જે હેતુસર બનાવવામાં આવેલ હોલ એનાથી વિપરીત સ્થિતિમાં હોય હોલમાંથી તાકીદે પોલીસ વિભાગનો કબ્જો દૂર કરીને સદર હોલ સ્થાનિક લોકઉપયોગી બને એ મારી લોકહિતમાં રજુઆતને ધ્યાને લેવા માટે સુરત મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલા દ્વારા નમ્ર વિનંતી કરવામાં આવી હતી.