સુરતમાં સફાઈ કર્મચારીને ભગાડી જવાનો કેસ: પોક્સો અને એટ્રોસિટીની ફરીયાદ રદ કરતો હાઈકોર્ટનો હુકમ
- ચોકબજાર પોલીસ સ્ટેશનમાં સફાઈ કર્મચારીને ભગાડી જનાર યુપીના વોચમેન સામે નોંધાયો હતો ગુનો
- એટ્રોસિટી અને પોક્સો એક્ટ કલમ હેઠળ થઈ હતી ફરીયાદ
સુરતમાં માતા સાથે સફાઈકામ કરવા જતી દિકરીને ત્યાંના વોચમેન સાથે પ્રેમ સંબંધ બંધાતા તે ઘરેથી ભાગી ગઈ હતી. આ અંગે તેના પિતાએ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં પોક્સો અને અટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદ રદ કરવાનો હાઈકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો.
બનાવ અંગે મળતી વિગત મુજબ, ફરિયાદીની દિકરી તેની માતા સાથે સાફ-સફાઈના કામકાજ અર્થે જ્યાં જતી હતી ત્યાં વોચમેન તરીકે કામ કરતા દર્શનસિંહ ઉર્ફે અમિતસિંહ રાજેશકુમાર પરીહાર સાથે તેને પ્રેમ સંબંધ બંધાયો હતો અને તે ઘરેથી ભાગી ગઈ હતી. જેથી ફરિયાદીએ વોચમેન વિરુધ્ધ ચોકબજાર પો.સ્ટે.માં એટ્રોસિટી એક્ટ અને પોક્સો એક્ટની વિવિધ કલમ હેઠળ ફરીયાદ નોંધાવી હતી. આ ફરીયાદના આધારે પોલીસે દર્શનસિંહ ઉર્ફે અમિતસિંહ રાજેશકુમાર પરીહારની ધરપકડ કરી હતી. જો કે, દર્શનસિંહ ઉર્ફે અમિતસિંહ રાજેશકુમાર પરીહારે જામીન પર મુક્ત થવા માટે સુરતના સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી જે મંજુર થઈ ગઈ હતી.
અરજી મંજુર થયા બાદ આરોપીએ આખી ફરીયાદ રદ કરવા માટે એડવોકેટ ધર્મેન્દ્ર કે.માટલીવાળા અને અમિત કે.સોલંકીનો સંપર્ક કર્યો હતો જેથી અડવોકેટ ધર્મેન્દ્ર કે.માટલીવાળા અને અમિત કે.સોલંકીએ ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ નિરવ મજમુદાર મારફત ક્વોશિંગ પીટિશન દાખલ કરીને આ સંદર્ભે દલીલો રજુ કરી હતી. આ ધરદાર દલીલોના કારણે ગુજરાત હાઈકોર્ટે આરોપી સામેની ફરીયાદ રદ કોરવાનો હુકમ કર્યો હતો.