Surat:સ્મીમેર મામલે AAP કોર્પોરેટરની ધરપકડ:કાર્યકર્તાઓનો વિરોધ
સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગિયા દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં કામ કરતાં કોન્ટ્રાક્ટના કર્મચારી સાથે કરેલી ગેરવર્તણૂક બાદ તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી જેના આધારે વરાછા પોલીસે તેમની ધરપકડ કરતાં વાતાવરણ ગરમાયું છે. જેમાં વિપક્ષના નેતાઓ અને કાર્યકરોએ પોલીસ સ્ટેશન પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું જેથી પોલીસ 50થી 60 જેટલા નેતા અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
આ અંગે મળતી અનુસાર, સ્મીમેર હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીને તમાચો મારવાની ઘટનામાં આપના કોર્પોરેટર વિપુલ સુહાગિયા વિરૂદ્ધ કર્મચારીએ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ પોલીસે વિપુલ સુહાગિયાની ધરપકડ કરતા સમગ્ર ઘટનાની જાણ થતા આપના કાર્યકર્તાઓએ વરાછા પોલીસ સ્ટેશન બહાર વિરોધ પ્રદર્શન સાથે જ રામધૂન બોલાવી કોર્પોરેટરને છોડવાની માંગ કરી હતી. આ સમયે કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી જેને પગલે વરાછા પોલીસે આપના કાઉન્સિલર સહીત 50 થી 60 કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે સ્મીમેર હોસ્પિટલમાં આઉટસોર્સ કમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતાં રાહુલ ચેતનભાઈ પટેલે કોર્પોરેટર વિપુલ સુહાગીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તે બુધવારે તેની ફરજ પર દર્દીઓને આયુષ્માન કાર્ડની માહિતી આપતો હતો. દરમિયાન આપના કોર્પોરેટર વિપુલ સુહાગીયા ગુસ્સામાં ત્યાં પહોંચ્યા હતા અને કહ્યું હતું કે તું મારા માણસને લાઈનમાં ઉભો રાખે છે તેનું કામ કેમ કરી નથી આપતો તેવું કહી તમાચો માર્યો હતો. રાહુલને કાનામાં દુ:ખાવો થતા તેણે સારવાર લીધી હતી અને આ અંગે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.