હરિયાળી ક્રાંતિના પ્રણેતા સ્વામીનાથનને SRKના 5000 કર્મચારીઓએ પાઠવી શ્રધ્ધાંજલિ
Srk પરિવારના મોભી ગોવિંદ ધોળકિયાએ સંતોકબા માનવ રત્ન એવોર્ડ સમયે સ્વામીનાથન સાથે પસાર કરેલા સમયની યાદો વાગોળી
સુરત: ઘઉં અને ચોખાના ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવનાર પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક અને હરિત ક્રાંતિના પ્રણેતા સ્વ.એમ.એસ. સ્વામીનાથનને આજરોજ સુરતના અગ્રણી ડાયમંડ પરિવાર શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સના પાંચ હજારથી વધુ કર્મચારીઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
Srk પરિવારના મોભી ગોવિંદભાઈ ધોળકિયાની ઉપસ્થિતિમાં srk ના પરિસરમાં આ શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શ્રી ગોવિંદ ભાઈ ધોળકિયાએ સ્વ.એમ.એસ. સ્વામીનાથનને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવા સાથે જ કેટલાક સ્મરણો યાદ કર્યા હતા. ગોવિંદ ભાઈએ જણાવ્યું હતું કે તેમના દ્વારા માતા સંતોક બા ના નામે શરૂ કરવામાં આવેલ સંતોક બા માનવ રત્ન એવોર્ડ માટે જ્યુરી દ્વારા જ્યારે કૃષિ વૈજ્ઞાનિક અને હરિત ક્રાંતિના પ્રણેતા સ્વામીનાથનના નામની પસંદગી કરવામાં આવી ત્યારે આ એવોર્ડ સમારોહમાં આમંત્રણ આપવા માટે પહેલી વખત મદ્રાસ ખાતે તેમના નિવાસ સ્થાને મુલાકાતનો અવસર મળ્યો. તે સમયે સ્વામીનાથન દ્વારા કહેવામાં આવ્યું હતું કે એક ડાયમંડ કંપની મને શા માટે એવોર્ડ આપે ત્યારે ગોવિંદભાઈ એ કહ્યું હતું કે અમે મૂળ સૌરાષ્ટ્રના ખેડૂત છીએ તેથી અમને તમારા જેવી વ્યક્તિનું મહત્વ વિશિષ્ઠ છે તે સમજીએ છીએ. ત્યારબાદ વર્ષ 2013માં સ્વામીનાથન સંતોક બા એવોર્ડ સ્વીકારવા માટે બે દિવસ માટે સુરતના મેહમાન બન્યા હતાં. આ બે દિવસ દરમિયાન સાથે ગાળેલો સમયના સ્મરણો પણ ગોવિંદ ભાઈએ તાજા કર્યા હતા. ગોવિંદ ભાઈએ જણાવ્યું હતું કે દેશ દુનિયાની અનેક પદવી અને એવોર્ડ થી સન્માનિત સ્વામીનાથન સાહેબે સંતોક બા એવોર્ડ સ્વીકારી આ એવોર્ડ નું ગૌરવ વધાર્યું છે ત્યારે તેઓ srk પરિવારના જ એક સદસ્ય હતા તેવી અનુભૂતિ સાથે આજે તેમની વિદાઈ થી પરિવારનો જ એક સદસ્ય ગુમાવ્યો હોય એવી લાગણી srk પરિવારના તમામ સભ્યો અનુભવી રહ્યા છે.