સ્માર્ટ સ્કૂલની 50 કરોડની જોગવાઈમાં સ્માર્ટ સેટિંગ, પાટીલના ઈશારે રદ
- શિક્ષણ સમિતિના બજેટ ફરતે જોરદાર ચર્ચાઃ કેટલાક નેતાઓ અને એક અધિકારી જોગવાઈ વધારવાનાં પ્રયાસમાં હતાં
- કોંગ્રેસી નેતા સાયકલવાલાનું મ્હેણું, ભાઉને ખરેખર ચિંતા હોય તો ગત વર્ષની 25 કરોડની જોગવાઈ અંગે તલસ્પર્શી તપાસ કરાવો
સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં સ્માર્ટ સ્કૂલના હેડનો મુદ્દો ચર્ચાની એરણે ચઢ્યો છે. ડ્રાફ્ટ બજેટમાં સ્માર્ટ સ્કૂલના હેડ હેઠળ રૂ. 50 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી, જો કે સ્થાયી સમિતિ દ્વારા છેલ્લી ઘડીએ આ સમગ્ર હેડ ઉડાવી જોગવાઈ રદ કરી દેવાતાં અનેક શંકા-કુશંકા વહેતી થઈ છે.
ચર્ચા મુજબ શિક્ષણ સમિતિના બજેટમાં સ્માર્ટ સ્કૂલ માટે કરવામાં આવેલી રૂ. 50 કરોડની જોગવાઈને વધારવા માટે કેટલાક નેતાઓ તેમજ એક અધિકારીએ ભારે ધમપછાડા શરૂ કર્યાં હતાં. એટલું જ નહીં, સ્માર્ટ સ્કૂલના કોન્ટ્રાક્ટ માટે એક એજન્સી પણ નક્કી કરી દેવાઈ હતી અને આ નેતાઓ આ એજન્સીને કોન્ટ્રાક્ટ ધરી દેવાના મૂડમાં હતાં. અલબત્ત રંધાઈ રહેલાં આ ષડ્યંત્રની વાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સુધી પહોંચી હતી અને તેમણે ભ્રષ્ટાચારને રોકવા માટે આદેશ જારી કરી દીધો હતો. તેમના ઈશારે સ્માર્ટ સ્કૂલનો હેડ જ પડતો મુકી દેવાયો હતો અને તેના માટે ફાળવાયેલી રૂ. 50 કરોડની જોગવાઈ અન્ય હેડમાં ટ્રાન્સફર કરી દેવાઈ હતી.
આમ એક રીતે જોઈએ તો પ્રદેશ પ્રમુખ પાટીલની સમયસૂચકતાથી એક કૌભાંડ આચરાતું બચી ગયું છે, પરંતુ હવે તેઓ કોંગ્રેસના નિશાન ઉપર પણ આવ્યા છે. કોંગ્રેસી નેતા અસલમ સાયકલવાલાએ પોતાની સોશિયલ મીડિયાની પોસ્ટમાં લખ્યું છે કે સ્માર્ટ સ્કૂલની જોગવાઈ ભ્રષ્ટાચારની ભાગબટાઈમાં થયેલા ડખાને કારણે ભાઉના આદેશથી કાઢી નંખાઈ છે. પરંતુ ભાઉને જો ખરેખર આ લોકસંસ્થાની હૃદયથી ચિંતા હોય તો ગત વર્ષની રૂ. 25 કરોડની સ્માર્ટ સ્કૂલની જોગવાઈમાં થયેલી ગોબાચારી, ગેરરીતિની નિષ્પક્ષ અને તલસ્પર્શી તપાસ કરાવે. ભાઉને જેમના ઉપર શંકા હોય તેઓ પર કાયદાનો સિકંજો કસવો જોઈએ.