November 22, 2024

મચ્છર ભગાડવાની અગરબત્તીએ પરિવારના છને મોતને ઘાટ ઉતાર્યાં

  • દિલ્હીના શાસ્ત્રી પાર્કની હૃદયદ્રાવક ઘટના, બારી-દરવાજો બંધ કરી પરિવાર નીંદર માણી રહ્યો હતો
  • ઝેરી અગરબત્તીમાંથી ફેલાયેલા કાર્બન મોનોક્સાઈડને કારણે પરિવારના તમામ ગુંગળાઈને મોતને ભેટ્યાં

દિલ્હીમાં એક હૃદયદ્રાવક ઘટના બહાર આવી છે. શાસ્ત્રી પાર્ક વિસ્તારનું એક પરિવાર ગઈરાત્રે મીઠી નીંદરની તૈયારી કરી રહ્યું હતું અને મચ્છરોના ઉપદ્રવથી બચવા માટે તેમણે મચ્છર ભગાડવાની અગરબત્તી સળગાવી હતી. ચાર પુરૂષ, એક મહિલા અને દોઢ વર્ષનું એક બાળક નિશ્ચિંત થઈને સુઈ ગયું હતું. જો કે સવારે નિત્યક્રમ વેળા પરિવારે ઘર નહીં ખોલતાં પડોશીઓને ચિંતા જાગી હતી. ઘરનો દરવાજો ખોલીને જોતાં પરિવારના તમામ સભ્યો બેહોંશ હાલતમાં જણાતાં પોલીસને જાણ કરી હતી.

પોલીસે તુરંત તમામ 6 સભ્યોને હોસ્પિટલ પહોંચાડ્યાં હતાં પરંતુ તમામ સભ્યો મૃત હાલતમાં હતાં. પોલીસે તપાસ શરૂ કરી ત્યારે જાણ થઈ કે રાત્રે પરિવારે મચ્છર ભગાડવા માટે અગરબત્તી સળગાવી હતી અને તેનો ધુમાડો ઘરની બહાર નીકળે તે માટે કોઈ વેન્ટિલેશન રાખ્યું ન હતું. ઘરના તમામ દરવાજા અને બારીઓ બંધ હોવાથી અગરબત્તીનો ઝેરી ધુમાડો રૂમમાં જ રહ્યો હતો અને કાર્બન મોનોક્સાઈડ જેવા ઝેરી ધુમાડાને કારણે પરિવારના તમામ સભ્યો ગુંગળાઈને મોતને ભેટ્યા હતાં.

એવી પણ શક્યતા જોવા મળી રહી છે કે મચ્છરની અગરબત્તીને કારણે તકિયા જેવું કંઈક સળગ્યું હતું અને તેને કારણે પણ આગના ધુમાડામાં ગુંગળાઈને પરિવાર મોતને ભેટ્યું હોઈ શકે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગઈ છે. સાથે જ નિષ્ણાંતોએ ખાસ સૂચના જારી કરી છે કે અગરબત્તી, હિટર જેવા સાધનોનો વપરાશ કરવો હોય તો રૂમમાં વેન્ટિલેશનની સગવડ રાખવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *