‘1 તારીખ, 1 કલાક મહાશ્રમદાન’
‘સ્વચ્છતા હી સેવા’ ની એક માસની ઉજવણી અન્વયે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી તા.૧ ઓક્ટોબર-૨૦૨૩ના દિવસે દેશનાં તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ‘એક તારીખ, એક કલાક મહાશ્રમદાન’ સૂત્ર સાથે સવારે ૧૦.૦૦ વાગે મેગા સ્વચ્છતા ઝુંબેશ થશે. મેગા સ્વચ્છતા ઝુંબેશના ભગીરથ કાર્યમાં જનપ્રતિનિધિઓ, જિલ્લા/તાલુકા પંચાયતોના પદાધિકારીઓ અને સભ્યો, સરપંચો અને ગ્રામ પંચાયત સભ્યો સહિતના આગેવાનો જોડાશે, ત્યારે સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકની અધ્યક્ષતામાં મહાશ્રમદાન અભિયાનમાં પદાધિકારીઓ, સામાજિક અગ્રણીઓ પણ સહભાગી બને એ માટે બેઠક યોજાઈ હતી.
સમગ્ર ભારત દેશમાં તા.૧ ઓક્ટોબરના રોજ સવારે ૧૦.૦૦ થી ૧૧.૦૦ વાગ્યા દરમિયાન “એક તારીખ એક કલાક મહાશ્રમદાન’’ હેઠળ સ્વચ્છતાના ઝુંબેશ યોજાશે. સુરત જિલ્લાના તમામ ગામ તથા શહેરી વિસ્તારોમાં વોર્ડ વાઈઝ લોકભાગીદારી સાથે “એક તારીખ, એક કલાક મહાશ્રમદાન” સૂત્ર સાથે સાફ-સફાઈ અભિયાન થશે. સાથોસાથ, સુરત મહાનગરપાલિકા, નગરપાલિકાઓમાં દરેક વોર્ડવાઈઝ, તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં દરેક ગામ, આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, શાળા, વિવિધ કચેરીઓના પ્રાંગણ, આસપાસના વિસ્તારો, પ્રવાસન સ્થળો, દરિયાકિનારા, ગૌ-શાળા, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો વગેરે જગ્યાઓ પર લગભગ ૩૫૫૦ વિવિધ સ્થળોએ મહાશ્રમદાન સહ મેગા સફાઈ ઝુંબેશ થશે.
આ સ્વચ્છતા કાર્યમાં મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખો અને સભ્યો, સરપંચો, ગ્રામ પંચાયત સભ્યો તેમજ જિલ્લા/તાલુકાના ઉચ્ચ અધિકારીઓ જોડાઈને સ્વચ્છતાના યજ્ઞકાર્યમાં સહભાગી બને એવો અનુરોધ કલેક્ટરશ્રીએ કર્યો હતો ત્યારે ‘સ્વચ્છ ભારત-સ્વચ્છ ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવા સુરત શહેર-જિલ્લાને વધુ સુદઢ અને સ્વચ્છ બનાવવાના અભિયાનમાં ભાગીદાર બનવા સૌ નાગરિકોને જીલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરાઈ છે.