શેત્રુંજય તીર્થધામની સુરક્ષા જાળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અરજ
- આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ, નવસારી એકમે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
- જૈન તીર્થધામ ખાતે અસામાજિક તત્વોની કનડગત બંધ કરાવવા આગ્રહભરી રજૂઆત
- વિરોધમાં બંધ પાળનારા નવસારી મેટલ મર્ચન્ટ્સ એન્ડ મેન્યુ. એસો.ના આગેવાનો પણ જોડાયા
રાજ્યના પાલિતાણા સ્થિત જૈનોના પવિત્ર શેત્રુંજય તીર્થધામ ખાતે અસામાજિક તત્વોની વધેલી કનડગત બંધ કરાવવા નવસારીમાં માંગ ઉઠી છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળના હોદ્દેદારો ઉપરાંત નવસારી મેટલ મર્ચન્ટ્સ એન્ડ મેન્યુ. એસો.ના વેપારીઓએ આજે મુખ્યમંત્રીને ઉદ્દેશીને એક આવેદનપત્ર લખ્યું હતું અને કલેક્ટરને સોંપ્યું હતું.
આવેદનપત્રમાં જણાવાયું છે કે પવિત્ર શ્રી શેત્રુંજય મહાતીર્થ ધામ એ ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના જૈનોની આસ્થાનું કેન્દ્ર છે. જૈન સમાજ માટે આ તીર્થનું મહત્વ અવર્ણનીય છે. પરંતુ છેલ્લા ઘણાં સમયથી કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ પવિત્ર તીર્થની ગરિમાને ખંડિત કરે તેવી નિંદનીય પ્રવૃત્તિઓ સતત વધી રહી છે. આવી પ્રવૃત્તિઓથી જૈન સમાજની આસ્થાને ઘણી ઠેસ પહોંચી છે. જૈન સમાજ શાંતિપ્રિય અને અહિંસાને માનનારો છે અને સમાજના ઉત્કર્ષ માટે પણ સતત યોગદાન આપતો રહે છે. જેથી શ્રી શેત્રુંજય મહાતીર્થ પર થયેલી આવી પ્રવૃત્તિઓને સમગ્ર જૈન સમાજ વખોડી કાઢે છે અને ભવિષ્યમાં આવી કોઈ પ્રવૃત્તિઓ ન થાય તેની તકેદારી રાખવા સરકારને નમ્ર વિનંતી કરે છે.
નોંધનીય છે કે શેત્રુંજય તીર્થધામ ખાતે અસામાજિક તત્વો દ્વારા મંદિરોમાં તોડફોડ તેમજ જૈન ધર્મગુરૂઓ પર હિચકારા હુમલા જેવી ઘટના સતત વધી રહી છે અને રાજ્ય જ નહીં પરંતુ સમગ્ર દેશ અને વિદેશોમાં વસતા જૈન સમાજ દ્વારા પણ તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.