October 31, 2024

શાહરૂખના ફેન રફીકભાઈ 150 મિત્રો, ઉજાણી સાથે “પઠાન” ફિલ્મ જોશે

  • નવસારી બજારમાં દરજીકામ સાથે સંકળાયેલા રફીકભાઈ શાહરૂખ ખાનના જબરદસ્ત ફેન
  • શાહરૂખને રૂબરૂ મળવા અનેક પ્રયાસ કર્યાં, હજી પણ ચાલુઃ મિત્રો-સ્વજનો માટે “પઠાન”ની ટિકીટ બૂક કરાવી

હિન્દુ સંગઠનોના વ્યાપક વિરોધ બાદ ગઈકાલે શાહરૂખ ખાનની પઠાન ફિલ્મ રિલીઝ થઈ ચુકી છે અને દેશભરમાં ધૂમ મચાવી રહી છે. ત્યારે સુરતમાં શાહરૂખ ખાનના એક જબરદસ્ત ફેન એવા રફીકભાઈ ટેલર આજે એટલે કે તા. 25મીના બુધવારના રોજ સાંજના શોમાં પોતાના અંદાજે 150 મિત્રો-સ્વજનો સાથે પઠાન ફિલ્મ જોવા જઈ રહ્યાં છે.

ભગવા રંગની બિકની ઉપરાંત કેટલાક દૃશ્યો અને કન્ટેઈન્ટ્સ બાબતે એસઆરકેની પઠાન ફિલ્મનો વિરોધ શરૂ થયો હતો. ટ્રેલર અને ટીઝર રિલીઝ થતાં જ આ વિરોધ ખૂબ વધ્યો હતો. ખાસ કરીને હિન્દુ સંગઠનોએ વાંધો ઉઠાવીને દેશભરમાં આ ફિલ્મ રિલીઝ થવા દઈશું નહીં તેવી ચીમકી ઉચ્ચારી હતી. કેટલાક સિનેમાઘરોમાં તો પઠાન ફિલ્મના પોસ્ટરો સળગાવાયા હતાં અને તોડફોડ સુદ્ધાં થઈ હતી. જો કે બાદમાં આ મુદ્દે સમાધાન થયું છે.

કેટલાક હિન્દુ સંગઠનોએ ખુલાસો કર્યો છે કે વાંધાજનક દૃશ્યો તેમજ કન્ટેઈન્ટ્સ હટાવી દેવાયા છે, જેથી તેઓ હવે વિરોધ કરશે નહીં. ત્યારે દેશભરમાં 5,500 જેટલા થીયેટરોમાં પઠાન ફિલ્મ રિલીઝ થઈ ચુકી છે અને દર્શકોનો જોરદાર પ્રતિસાદ પણ મળી રહ્યો છે. લોકો ફિલ્મ તેમજ શાહરૂખ ખાનના રોલના પેટ ભરીને વખાણ કરી રહ્યાં છે.

એવી વિગતો સાંપડી છે કે સુરતના નવસારી બજાર નમકવાલી ગલી ખાતે જેન્ટ્સ ટેલરિંગનું કામ કરતાં રફીકભાઈ પોતાના 150 જેટલા મિત્રોને લઈને ઉજાણી સાથે સાંજે 5.30 વાગ્યાના શોમાં રૂપમ ટોકિઝ ખાતે પઠાન ફિલ્મ જોવા જઈ રહ્યાં છે. રફીકભાઈએ શાહરૂખ ખાનને રૂબરૂ મળવા અનેક પ્રયાસ કર્યાં છે અને હજુ પણ તે ચાલુ જ છે, ત્યારે આપણે તેમને શુભેચ્છા આપીએ કે જલ્દી જ તેમની મુલાકાત SRK સાથે થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *