સનાતન (હિન્દુ) ધર્મ મચ્છર-મેલેરિયા જેવો, તેને ખતમ કરી દેવો જોઈએ
- તમિલનાડુ સરકારમાં મંત્રી અને મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિનના નિવેદનથી વિવાદ, કહ્યું સનાતન ધર્મનો વિરોધ નહીં કરો, તેને ખતમ કરો
- ચોતરફથી વિરોધ છતાં ઉદયનિધિ પોતાના નિવેદન પર અડગ, કોંગ્રેસી સાંસદ કાર્તિ ચિદમ્બરમે ઉદયનિધિના નિવેદનનું સમર્થન કર્યું, વિવાદ વકરવાના એંધાણ
જેને મોટાભાગે હિન્દુ તરીકે ઓળખાવાય છે તે સનાતન ધર્મ મુદ્દે એક વિવાદ વકરતો જઈ રહ્યો છે. તમિલનાડુ સરકારમાં મંત્રી અને મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિને એક કાર્યક્રમમાં સનાતન ધર્મને મચ્છર, મેલેરિયા, ડેન્ગ્યુ, કોવિડ-19 સાથે સરખાવ્યો હતો. તેનાથી આગળ વધીને તેમણે કહ્યું કે સનાતન ધર્મનો વિરોધ નહીં કરો, તેને ખતમ કરી નાંખવો જોઈએ. હકીકતમાં તમિલનાડુ પ્રોગ્રેસિવ રાઈટર્સ એસો.ના ઉપક્રમે તા. 2 ઓગસ્ટ શનિવારના રોજ ચેન્નઈમાં એક સંમેલનનું આયોજન કરાયું હતું, જેનું નામ રખાયું હતું સનાતનમ (સનાતન ધર્મ) ઉન્મૂલન સંમેલન. ઉદયનિધિએ આ સંમેલનમાં પોતાના નિવેદનમાં કહ્યું કે કેટલીક વસ્તુઓ એવી છે કે જેને ખતમ કરી દેવી જોઈએ, માત્ર વિરોધ નહીં કરવો જોઈએ. સનાતનમ પણ આ પૈકી જ છે, તેનો વિરોધ નહીં, તેને ખતમ કરી દેવો જોઈએ.
ભાજપ ઉદયનિધિના આ નિવેદનથી આઘાતમાં છે. આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ જણાવ્યું કે ઉદયનિધિએ ભારતની 80 ટકા વસતિના નરસંહારનું આહ્વાન કર્યું છે. તમિલનાડુના ભાજપ અધ્યક્ષ અન્નામલાઈએ કહ્યું કે ઉદયનિધિ, તમારા પિતા અને તમારા વિચારકો પાસે ઈસાઈ મિશનરીઓ પાસેથી ખરીદેલા વિચારો છે. ભાજપના અન્ય કેટલાક આગેવાનોએ પણ ઉદયનિધિના નિવેદનની નિંદા કરી વ્યથા વ્યક્ત કરી છે. જો કે દેશના પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમના પુત્ર અને કોંગ્રેસી સાંસદ કાર્તિ ચિદમ્બરમે ઉદયનિધિના નિવેદનનું સમર્થન કર્યું છે. તેમણે જણાવ્યું કે આ જાતિ ભારત માટે અભિશાપ છે.
નોંધપાત્ર વાત એ છે કે વ્યાપક વિરોધ છતાં પણ ઉદયનિધિ સ્ટાલિન પોતાના નિવેદન પર વળગી રહ્યાં છે. વિરોધ પછી પણ તેમણે વધુ એક નિવેદન જારી કર્યું છે, જેમાં તેમણે ભાજપ નેતાઓ પર ફેઈક ન્યૂઝ ફેલાવવાનો આક્ષેપ કર્યો છે. જો કે કહ્યું છે કે મેં નરસંહારની વાત કરી નથી. પરંતુ સનાતન ધર્મ એક એવો સિદ્ધાંત છે જે લોકોને જાતિ અને ધર્મના નામે અલગ પાડે છે, સનાતન ધર્મને ઉખાડી ફેંકવો એ માનવતા અને માનવ સમાનતાને કાયમ રાખવા જેવું કામ છે. સનાતન ધર્મ સમાજની અનેક ખરાબીઓ માટે જવાબદાર છે.