સાળંગપુરમાં શાંતિ:વિવાદિત ભીંતચિત્રો દૂર કરી નવા લગાડાયા
છેલ્લાં કેટલાંક દિવસોથી ચાલી રહેલાં સાળંગપુર મંદિરના ભીંતચિત્રો સાથે સંકળાયેલા વિવાદનો આજે અંત આવ્યો છે. વિવાદિત ભીંતચિત્રોને દૂર કરી તેના સ્થાને અન્ય ચિત્રો લગાવી દેવામાં આવ્યા છે. આ તમામ કામગીરી રાત્રે કષ્ટભંજન મંદિર પરિસરની તમામ લાઈટો બંધ કરીને મીડિયાને દૂર રાખી પડદા બાંધીને કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે રજૂ કરાયેલાં ભીંતચિત્રોને લઈ છેલ્લા થોડા દિવસથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદને લઈ સનાતન ધર્મના સાધુ-સંતો, મહંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. ત્યારે આ મામલે સરકાર દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને વડતાલ સ્વામિનારાયણ સંતો સાથે બંધબારણે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સાધુ, પાંચ સામાજિક અગ્રણીઓ અને બે મંત્રી હાજર રહ્યા હતા અને મુખ્યમંત્રી સાથે વિવાદ મુદ્દે મંત્રણા કરી હતી. ત્યારબાદ અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે સ્વામિનારાયણ સંતો અને વીએચપી તથા સંતો વચ્ચે બેઠક બાદ સુખદ નિરાકરણની જાહેરાત કરાઈ હતી.
આજે સુર્યોદય સુધીમાં આ ભીંતચિત્રો દૂર કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને જે ચિત્રોથી ભક્તોની લાગણી દુભાઈ અને આ સમગ્ર વિવાદ ઊભો થયો તે આખરે દૂર કરવામાં આવતાં ભક્તોએ રાહતની લાગણી અનુભવી રહ્યા છે.