May 25, 2025

રશિયાનું લૂના-25 ચંદ્રમાની સપાટી સાથે ટકરાઈને થયું ક્રેશ

સ્પેસ એજન્સી રોસકોસમોસે જણાવ્યું હતું કે, શનિવારે પ્રી-લેન્ડિંગ ઓર્બિટ બદલતી વખતે ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. લુના 21 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર બોગુસ્લાવસ્કી ક્રેટર પાસે ઊતરવાનું હતું જે ક્રેશ થયું છે. શનિવારે સાંજે 05:27 વાગ્યાથી તેનો સંપર્ક તૂટી ગયો હતો.

હાલ આ લૂના 25ની કોઈ ભાળ મળી રહી નથી. ઉલ્લેખનિય છે કે, રશિયાનું આ છેલ્લા 47 વર્ષમાં પહેલું મૂન મિશન હતું. એક દિવસ પહેલા જ Roskosmos એ પ્રી લેન્ડિંગ ઓર્બિટમાં લૂના 25ને મોકલવામાં મુશ્કેલી અંગે જણાવ્યું હતું. Roskosmosએ રવિવારે એક નિવેદનમાં કહ્યું કે સ્પેસક્રાફ્ટ એક અપ્રત્યાશિત કક્ષામાં જતું રહ્યું અને ચંદ્રમાની સપાટી સાથે ટકરાઈને દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું.  માનવરહિત યાન લૂના 25 ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરવાનું હતું. પરંતુ લેન્ડિંગ પહેલા જ કક્ષામાં પ્રવેશ કરતી વખતે થોડી સમસ્યાઓનો સામનો કર્યા બાદ તે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. અંતરિક્ષ યાન ચંદ્રમાના એક હિસ્સાની ભાળ મેળવવાના મિશનના ભાગ રૂપે સોમવારે લેન્ડિંગ કરવાનું હતું. જેના વિશે વૈજ્ઞાનિકોનું માનવું હતું કે આ જામેલા પાણી અને કિંમતી તત્વો વિશે માહિતી મેળવી શકે છે.