રૂદ્રાક્ષના અનેક લાભ, પરંતુ નિયમો નહીં પાળશો તો નુક્સાન થઈ શકે
- વિધિવત્ શુદ્ધિકરણ બાદ જ રૂદ્રાક્ષ ધારણ કરી શકાય અને તે ફરી અશુદ્ધ નહીં થાય તેની કાળજી જરૂરી
- માંસ-મદીરાનું સેવન રૂદ્રાક્ષ ધારણ કરનારા માટે વર્જ્ય, પ્રસૂતિ સમયે પણ સાવધાની વર્તવી જોઈએ
સનાતન હિન્દુ ધર્મમાં દેવાધિદેવ મહાદેવની આંખોમાંથી અશ્રુ તરીકે ઉદ્ભવેલા રૂદ્રાક્ષનું ધાર્મિક ઉપરાંત આરોગ્યની દૃષ્ટિએ પણ અનેરૂં મહત્વ છે. અલબત્ત તેને ધારણ કરવા માટે કેટલાક ચોક્કસ નિયમો ધર્મમાં વર્ણવ્યા છે. તેને જો નજરઅંદાજ કરાયા તો રૂદ્રાક્ષથી લાભને બદલે ગેરલાભ થાય તેવી ચેતવણી આપવામાં આવી છે.
સૌપ્રથમ તો રૂદ્રાક્ષ સાચો છે કે બનાવટી તેની ખરાઈ કરવી જરૂરી છે. પરખ બાદ તારવેલા સાચા રૂદ્રાક્ષને પંચગવ્યમાં રાખ્યા બાદ ગંગાજળ, શુદ્ધજળથી સ્નાન કરી પૂજાસ્થાનમાં રાખવા. વિધિવત્ તેની પૂજા કર્યા બાદ લાલ અથવા પીળા દોરા કે પછી ચાંદી કે સોનામાં તેને ધારણ કરી શકાય છે.
શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે રૂદ્રાક્ષ ધારણ કરનારે અનેક નિયમો પાળવા પડે છે. ખાસ તો તેમણે ક્યારેય માંસાહાર કે મદીરા સેવન કરવું જોઈએ નહીં. રૂદ્રાક્ષને કોઈ અશુદ્ધ ચીજ-વસ્તુનો સ્પર્શ નહીં થાય તેની વિશેષ કાળજી રાખવી જોઈએ. ક્યારેય પણ વિપરીત સ્થિતિ હોય તો તેવા સમયે રૂદ્રાક્ષને શુદ્ધ સ્થાને યોગ્ય રીતે મુકી દેવા જોઈએ. પ્રસૂતાએ જો રૂદ્રાક્ષ ધારણ કર્યો હોય તો પ્રસૂતિથી સૂતકકાળ સુધી રૂદ્રાક્ષને પૂજાસ્થાન કે અન્ય પવિત્ર જગ્યાએ મુકવો જોઈએ, ધારણ કરવો નહીં. આવી સ્થિતિમાં પ્રસૂતા પાસે અન્ય કોઈ વ્યક્તિ પણ રૂદ્રાક્ષ સાથે જાય નહીં તેવી સાવચેતી રાખવી.
સૂતી વખતે પણ રૂદ્રાક્ષ ધારણ નહીં કરવાની સલાહ છે. નિદ્રા સમયે રૂદ્રાક્ષને સન્માન સાથે ઓશિકાની નીચે રાખી શકાય, જેનાથી ઊંઘ સારી આવવા સાથે દુઃસ્વપ્નો પણ દૂર થાય તેવું કહેવાયું છે. રૂદ્રાક્ષ ધારણ કર્યા બાદ જે વ્યક્તિ જુઠ્ઠું બોલવાનો ત્યાગ કરે, ધર્મ અને નીતિના માર્ગે આગળ વધે તો રૂદ્રાક્ષના ફાયદા અનેકગણા વધશે તેવું કથન શાસ્ત્રોમાં વર્ણવાયું છે.