RTO:વાહનોની જૂની નંબર પ્લેટ બદલવા હવે ચુકવવી પડશે ત્રણ ગણી ફી
જો તમારી પાસે ટુ વ્હીલર કે ફોર વ્હીલર વાહનો હોય તો એની નંબર પ્લેટ બદલવા માટે તમારા ખિસ્સા પર વધારાનો બોજ પડશે. કારણ કે હવે ગુજરાત સરકારે જૂની નંબર પ્લેટ બદલવામાં ત્રણ ગણો ભાવ વધારો કર્યો છે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા ડીલરોને કામ સોંપ્યું છે અને નંબર પ્લેટ બદલવાનો કોન્ટ્રાક્ટ કંપનીઓને અપાયો છે.
ઉલ્લેખનિય છે કે, અગાઉ કારની નંબર પ્લેટ માટે રૂ.450 અને ટુ વ્હીલર માટે રૂ.160 વસુલવામાં આવતા હતા અને હવેથી કાર માટે 781 અને ટુ વ્હીલર માટે 495 રૂપિયા નક્કી કરાયા છે. એટલું જ નહીં, વાહનોની લોન પૂરી થયા પછી આરટીઓમાંથી NOCનો ચાર્જ લેવાતો નહોતો, પરંતુ હવેથી 200 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. રાજ્ય સરકાર દ્વારા નવા વાહનોના એચએસઆરપી નંબર પ્લેટ સહિત જુના વાહનોની કામગીરી પણ વાહનોના ડીલરોને સોંપી દીધી હતી. પરંતુ હવે જુના ભાવમાં ડીલરોએ કામ કરવાની ના પાડીને તોતિંગ ભાવ વધારો કર્યો છે જેને કારણે વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
RTO કચેરીમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટનું કામ બંધ કરવા વાહન વિભાગે આદેશ કરતાં હવે વાહનની નંબર પ્લેટ ડેમેજ થઈ હોય, ફિલ્મ દૂર થઈ હોય કે ખોવાઈ ગઈ હોય તો RTOમાં કામ નહીં થાય પરંતુ જ્યાંથી વાહનની ખરીદ્યુ હશે તે ડીલરના શોરૂમ પર જ જૂના વાહનોની નંબર પ્લેટની કામગીરી થશે. આ ઉપરાંત જૂના વાહનોની નંબર પ્લેટના કામ માટે વિવિધ ચાર્જ નક્કી કરાયા હતા. પરંતુ હવે વાહન ડીલરોને કામગીરી સોંપાતા સર્વિજ ચાર્જ ઉમેરાશે. જેથી જૂના વાહનોમાં નંબર પ્લેટની કોઈપણ કામગીરી કરાવવાનો ખર્ચ વધશે. પહેલાં RTO કચેરીમાં ઓનલાઈન અપોઈન્ટમેન્ટ લઈને જતાં ગ્રાહકનું કામ એક જ દિવસમાં થઈ જતું હતું. પરંતુ હવે વાહન ડીલરના શોરૂમ પર જઈને પ્રથમ પુરાવા અને ફી ભર્યા બાદ બીજીવાર નંબર પ્લેટ ફીટ કરાવવા માટે પણ ધક્કો ખાવો પડશે જેથી આ નિર્ણય બાદ વાહન ધારકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.