શાળા-કોલેજોનું વાતાવરણ ચારિત્ર્યહીનતા તરફ લઈ જઈ રહ્યું છેઃ રવિન્દ્ર પુરીજી
- ઘણી યુવતીઓ લવ-જેહાદનો શિકાર, મા-બાપ સંતાનોને યોગ્ય સંસ્કાર આપે
- ભગવા વિવાદથી લાગણી દુભાઈઃ સેન્સર બોર્ડ સંતો-મહંતોનો અભિપ્રાય લે તે જરૂરી
- ઉધના અટલ આશ્રમમાં રોકાણ દરમિયાન માજી ડે. મેયર ડો. રવિન્દ્ર પાટીલ સહિતના મહાનુભાવોએ આશીર્વાદ લીધા
અખિલ ભારતીય અખાડા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિન્દ્ર પુરીજી મહારાજ સુરત પધાર્યા હતાં. ઉધના અટલ આશ્રમ ખાતે તેમણે તપોનિધિ સંત વિજયાનંદજી મહારાજની મુલાકાત લઈ વિવિધ વિષયો ઉપર ચર્ચા કરી હતી. તેમની સુરત મુલાકાત દરમિયાન શહેરના માજી ડે. મેયર ડો. રવિન્દ્ર પાટીલ સહિતના અનેક મહાનુભાવોએ તેમની મુલાકાત અને આશીર્વાદ લઈ શુભેચ્છા પાઠવી હતી.
રવિન્દ્ર પુરીજી મહારાજે સાંપ્રત સમસ્યા વિષે થોડી ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે માતા-પિતા પોતાના યુવા સંતાનોનું યોગ્ય ધ્યાન રાખે તે જરૂરી છે. શાળા-કોલેજોનું હાલનું વાતાવરણ ચારિત્ર્યહીનતા તરફ લઈ જઈ રહ્યું હોય તેવો માહોલ છે. શિક્ષણમાં ચારિત્ર્યનો અભ્યાસક્રમ ઉમેરવા તેમણે સલાહ આપી હતી. તેમણે ઉમેર્યું કે જે રાજામાં ચારિત્ર્યનો અભાવ છે તે રાજ્યનો વિનાશ નિશ્ચિત છે.
ભગવા વિનાદ મુદ્દે તેમણે જણાવ્યું કે હિન્દુઓની લાગણી દુભાય તે સ્વાભાવિક છે. સેન્સર બોર્ડે કાળજી રાખવી જોઈએ અને ફિલ્મો રિલીઝ કરતાં પૂર્વે જરૂર જણાય તો સંતો-મહંતોના અભિપ્રાય મેળવી લેવા જોઈએ. ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માના અપમૃત્યુ અંગે પણ તેમણે વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ઘણી યુવતીઓ લવ-જેહાદનો ભોગ બની રહી છે. માતા-પિતા પોતાના સંતાનોને યોગ્ય સંસ્કાર આપે તે જરૂરી છે. વધી રહેલા ડ્રગ્ઝના કેસો મુદ્દે પણ તેમણે ઘેરી ચિંતા વ્યક્ત કરી સરકાર ઉપરાંત દેશના નાગરિકો પણ સતર્ક બને તેવી અપીલ કરી હતી.