November 21, 2024

આવતા વર્ષની રામનવમીએ રામલલ્લા ભવ્ય નવનિર્મિત મંદિરમાં હશેઃ શાહ

  • રામનવમી પ્રસંગે ગૃહમંત્રીનું હરિદ્વાર ખાતે મોટું નિવેદન, રામલલ્લા હવે અસ્થાયી મંદિરમાં નહીં રહેશે
  • ધાર્મિક સ્થળો અને મહત્વપૂર્ણ ઐતિહાસિક સ્મારકોને પુનઃસ્થાપિત કરવા મોદી સરકાર કટિબદ્ધ

રામનવમીની ઉજવણી આજે દેશભરમાં શ્રદ્ધાપૂર્ણ માહોલમાં કરવામાં આવી રહી છે. ત્યારે ગૃહમંત્રી અમિત શાહે અયોધ્યાના રામમંદિરને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હવે આવતા વર્ષની રામનવમીએ રામલલ્લા અસ્થાયી મંદિરમાં નહીં, પરંતુ નવનિર્મિત ભવ્ય નીજ મંદિરમાં બિરાજશે.

ઉત્તરાખંડના હરિદ્વાર ખાતે પતંજલિ યોગપીઠના પતંજલિ વિશ્વવિદ્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે રામ જન્મભૂમિનો મુદ્દો બાબરના સમયથી લટકી અને ભટકી રહ્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂમિપૂજન કર્યું અને રામલલ્લાનું ભવ્ય મંદિર બની રહ્યું છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવતા વર્ષની રામનવમીએ રામલલ્લા હાલના અસ્થાયી મંદિરમાં નહીં પરંતુ પોતાના નવનિર્મિત ભવ્ય મંદિરમાં બિરાજમાન હશે.

શાહે વધુમાં ઉમેર્યું કે ધાર્મિક સ્થળો તેમજ મહત્વપૂર્ણ ઐતિહાસિક સ્થળોના પુનઃસ્થાપન માટે મોદી સરકાર પ્રયત્નશીલ છે. ઔરંગઝેબે તોડી પાડેલો કાશી વિશ્વનાથ કોરિડોર ફરી બનાવાયો છે, એને પુનર્જિવીત કરાયો છે. કેદારનાથ અને બદ્રીનાથ ધામનો જિર્ણોદ્ધાર, ગુજરાતમાં સોમનાથનું મંદિર ફરી સુવર્ણ બની રહ્યું છે. પાવાગઢ મંદિરમાં શક્તિપીઠનું પુનઃ પ્રતિષ્ઠિત કરાયું છે.

તેમણે કહ્યું કે આપણી આઝાદીની લડત જે એક જ પરિવારની ફરતે સીમિત થઈ ગઈ હતી. જો કે વડાપ્રધાને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવા સાથે લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ અમર કર્યું. ડો. આંબેડકરના તમામ સ્મૃતિસ્થળોને એક મ્યુઝીયમમાં બદલી તેમને ગૌરવાન્વિત કર્યાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *