રાજકોટમાં અંગત પળોના વીડિયો દ્વારા કમાણી કરતાં સાસુ-સસરા વિરુધ્ધ પુત્રવધુએ નોંધાવી ફરિયાદ
રાજકોટ શહેરમાં સંબંધોને લાંછન લાગે એવો એક કિસ્સો સામે આવ્યો છે. પોતાના જ પુત્ર અને પુત્રવધૂની અંગતપળોનો વીડિયો સોશિયલ મીડિયા પર મુકીને રૂપિયા કમાતા હોવાનો પુત્રવધૂએ તેના સાસુ સસરા પર આક્ષેપ લગાવ્યા છે.
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, આ પીડિતાની ઉંમર માત્ર 21 વર્ષની છે. આ યુવતીને તેના સાસુ સસરા પતિ સાથે અંગત પળો માણવા માટે મજબૂર કરતા હતા. આ અંગત પળોનો વીડિયો સાસુ અને સસરા સોશિયલ મીડિયા પર મુકીને ક્રિપ્ટોકરન્સીથી રૂપિયા કમાતા હતા. આની જાણ થતા યુવતીએ અનેકવાર વિરોધ કર્યો હતો. પરંતુ તેના સસરા તેને બાળકને જન્મ નહીં આપે તો તારા પતિનું મોત થશે તેવું કહેતા પીડિતા પર બાળકને જન્માવવા અંગે દબાણ કરતા હતા.
આ અંગે વધુ મળતી માહિતી પ્રમાણે, આ પરિણીતાને પહેલા તો સાસુ સસરા ખોટી લાગણીમાં ભોળવીને રુપિયા માટે આ બધું કરવાનું કહ્યુ હતુ તેમજ વીડિયોમાં તેની ઓળખ છતી નહીં થાય તેમ પણ કહેવામાં આવ્યું હતુ. પરંતુ વારંવારના આ ત્રાસ બાદ પુત્રવધૂએ વિરોધ પણ નોંધાવ્યો હતો. પરંતુ તેને મારી નાંખવાની ધમકી આપીને આવા વીડિયો ઉતારવામાં આવતા હતા. આ માટે પરિણીતાના બેડ રૂમમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત અંધશ્રદ્ધામાં માનીને તેને દોરા ધાગા પણ કરાવતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. પીડિતાની આ ફરિયાદના આધારે પોલીસે સાસુ-સસરા અને પતિની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.