રાજકોટમાં કૉલેજમાં એડમિશન ન મળતાં વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા
રાજકોટમાં એક વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. રાજકોટના રૈયાધાર વિસ્તારમાં રહેતી વિદ્યાર્થીની ધોરણ 12માં એક વિષયમાં નાપાસ થઈ હતી પણ પુરક પરીક્ષામાં પાસ થઈ હતી. જો કે કૉલેજમાં એડમિશન ન મળતા વિધાર્થીનીએ ગળાંફાસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.
રાજકોટના રૈયાધાર વિસ્તારમાં રહેતી વિદ્યાર્થીની પ્રાર્થના વિપુલભાઇ પારેખે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આપઘાત કરનાર આ વિદ્યાર્થીની બે બહેનો અને એક ભાઇમાં મોટી હતી. પ્રાર્થનાના પિતા છૂટક મજૂરી કામ કરે છે, જ્યારે તેના માતા શાળામાં પ્યુન છે. ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરનારી વિદ્યાર્થીનીએ લખેલી સુસાઈડ નોટ પોલીસને મળી આવી છે. આ સુસાઈડ નોટમાં આત્મહત્યા કરનાર પ્રાર્થનાએ લખ્યું છે કે, મને એડમિશન ન મળ્યું તો હું શું કરીશ, તમારા કરતા વધારે મને ટેન્શન છે, કારણ કે ફ્યૂચર તો મારું છે ને.
દીકરીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. હાલ તો આ મામલે પોલીસે સુસાઇડ નોટ કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે.