રેલ્વે અકસ્માતમાં મૃતકોના પરિવારને 5 લાખ અને ઘાયલોને 2.5 લાખ મળશે
રેલવે બોર્ડે રેલ દ્વરા અકસ્માત સંબંધિત સહાયની રકમમાં 10 ગણો વધારો કરવામાં આવ્યો છે. રેલવે બોર્ડે 18 સપ્ટેમ્બર 2023ના રોજ એક પરિપત્ર જાહેર કરીને સહાયની રકમમાં વધારા અંગે માહિતી આપી હતી જે અંતર્ગત ટ્રેન અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં સહાયની રકમ 50 હજાર રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા સુધી કરવામાં આવી છે જ્યારે ગંભીર ઈજા માટેની રકમ 25 હજારથી વધારીને 2.5 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ ઉપરાંત સામાન્ય ઈજામાં સહાયની રકમ 5 હજારથી વધારીને 50 હજાર રૂપિયા કરવામાં આવી છે અને સહાયની રકમ ઉપરાંત મુસાફરોના હોસ્પિટલનો ખર્ચ પણ રેલવે વિભાગ ઉઠાવશે જેમાં 30 દિવસથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ દર્દીને ઈજા કેટલી ગંભીર છે તેના આધારે દરરોજ 3,000, 1,500 અને 750 રૂપિયાનો ખર્ચ મળશે.
પરિપત્ર મુજબ, આતંકવાદી હુમલો, હિંસક હુમલો કે ચોરી જેવી કોઈ અઘટિત ઘટનાના કિસ્સામાં મૃતક, ગંભીર રીતે ઘાયલના પરિજનોને રૂ. 1.5 લાખ અને રૂ. 50 હજાર આપવામાં આવશે તેમજ રસ્તા પર ચાલતા જે લોકો રેલવેની ભૂલને કારણે મેન્ડ રેલવે ક્રોસિંગ ફાટક અકસ્માતનો ભોગ બન્યા છે તેઓ પણ સહાયની રકમ મેળવવાને પાત્ર બનશે. ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અને મેન્ડ લેવલ ક્રોસિંગ પર જીવ ગુમાવનારાઓના નજીકના પરિવારજનને હવે 5 લાખ રૂપિયા મળશે, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 2.5 લાખ રૂપિયા મળશે અને સામાન્ય ઈજાના કિસ્સામાં લોકોને 50 હજાર રૂપિયા મળશે.
જો કે માનવરહિત લેવલ ક્રોસિંગ પર અકસ્માતનો ભોગ બનેલા લોકો, પરવાનગી વગર પ્રવેશેલા અને ટ્રેનની ઉપરના વાયરને અડકવાથી મૃત્યુ પામેલા લોકોને સહાયની કોઈપણ રકમ આપવામાં આવશે નહીં.