November 21, 2024

‘પૂર્ણાશક્તિ યોજના’માં સુરત જિલ્લાના માંડવીની દિકરી લાભાન્વિત

કુપોષણને નાથવામાં પૂર્ણા યોજના કિશોરીઓની તંદુરસ્તી માટે વરદાનરૂપ

પૂર્ણાશક્તિ યોજનામાં મળતા ફૂડ પેકેટની ગુણવત્તા શરીર માટે લાભદાયી: નેહાબેન ગામીત

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં પોષણ અંગે જન જાગૃતિ કેળવાય તે આશયથી સપ્ટેમ્બર માસની “પોષણમાહ”ના રૂપમાં ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં રાજ્ય સરકારે આંગણવાડીના બાળકો, સગર્ભા-ધાત્રી માતાઓ અને કિશોરીઓને પોષણક્ષમ પૂરક આહાર પૂરો પાડવા માટે ગુજરાત રાજ્ય મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સહયોગથી ટેક હોમ રાશન યોજના અમલી બનાવી છે. આ યોજનામાં બાલશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાશક્તિના નામથી પૂરક પોષક આહાર તૈયાર કરવામાં આવે છે, જેમાં ઘઉં, બેસન, સોયાબીન લોટ, ખાંડ, તેલ, મકાઈ, ચોખા અને વધારાના પોષકતત્વોનો સમાવેશ થાય છે. આ પેકેટ્સમાંથી શીરો, સુખડી, રાબ, લાડુ જેવી ૩૦ પ્રકારની પોષક વાનગીઓ બનાવી શકાય છે. રાજ્ય સરકાર દ્વારા ‘સુપોષણયુક્ત ગુજરાત’નો સંકલ્પ સિદ્ધ કરવા માટે આઇસીડીએસ (સંકલિત બાળ વિકાસ યોજના) હેઠળ કાર્યરત ‘પૂર્ણાશક્તિ યોજના’ અંતર્ગત કિશોરીઓને ફૂડ પેકેટની સહાય આપવામાં આવે છે.
સુરત જિલ્લાના માંડવી તાલુકા મથકે રહેતા નેહાબેનને પૂરક પોષણયુક્ત આહાર મળી રહ્યો છે. માંડવી ગામના દેશેરા પીપળી ફળિયામાં રહેતા ૧૬ વર્ષીય નેહાબેન રાજુભાઇ ગામીત ધો.૧૨ પછી આઇટીઆઇમાં અભ્યાસ કરે છે. તેઓ જણાવે છે કે, મારા પરિવારની સામાન્ય આર્થિક સ્થિતિના કારણે મારા માટે બજારમાં મળતો મોંઘો પોષકઆહાર કે સામગ્રી ખરીદવા શક્ય નથી. એવા સમયે આ વિસ્તારની આંગણવાડી તરફથી સરકારની પૂર્ણાશક્તિ યોજનાની માહિતી મળતા નામ નોંધાવ્યું હતું, અને નિયત સમયમાં જ તેનો લાભ પણ મળતો થયો છે. યોજના અંતર્ગત મળતા પૌષ્ટિક લોટની ગુણવત્તા પણ ઉત્તમ કક્ષાની હોય છે, જેના થકી અમે ઘરે શીરો, ઉપમા શાક વગેરે વાનગીઓ બનાવીએ છીએ. આ વાનગીઓમાંથી આયર્ન અને પ્રોટીન મળે છે અને સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.
આ ઉપરાંત માંડવી આંગણવાડીના કાર્યકર બહેનો દ્વારા દર મંગળવારે પૂર્ણા શક્તિ આહારમાંથી બનતી વાનગીઓ શીખવવામાં આવે છે, ઉપરાંત આંગણવાડીમાં નિબંધ લેખન, વકતૃત્વ, વાંચન સ્પર્ધા યોજવામાં આવે છે. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બહેનોને સેનેટરી પેડસનું વિતરણ કરી તેના ઉપયોગથી થતા લાભો વિશે સમજાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *