ગરીબોને ઘર,પાણી,રસ્તા,વીજળી,શિક્ષણ આપવું અમારી પ્રાથમિકતા:PM
આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસી બહુમતી ધરાવતા છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતુ કે, ”ગરીબોને ઘર, પાણી, રસ્તા, વીજળી અને શિક્ષણ આપવું એ અમારી પ્રાથમિકતા છે. આજે દેશભરમાં ગરીબો માટે ચાર કરોડથી વધુ પાકા મકાનો બનાવવામાં આવ્યા છે. આદિવાસીઓ માટે તેમની ઈચ્છા મુજબ મકાનો બનાવવામાં આવ્યા છે.”
વડાપ્રધાન મોદીએ મહિલા અનામત બિલને લઈને વિપક્ષ પર પ્રહારો કરતાં કહ્યું હતુ કે, મારા નામે કોઈ ઘર નથી, પરંતુ મેં દેશની ઘણી દીકરીઓના નામે ઘર આપવાનું કામ કર્યું છે. આ દરમિયાન તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, વિપક્ષોએ અનામતની રાજનીતિ કરી, પરંતુ જ્યાં સુધી હું સીએમ ન હતો બન્યો ત્યાં સુધી ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં સાયન્સ સ્કૂલ પણ નહતી.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે બોડેલી ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2.0 પ્રૉજકેટ શિલાન્યાસ સહિત ગુજરાત સરકારના કુલ 5206 કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.