જો..જો..બેન્ક લોકરમાં મુકેલા તમારા રૂપિયા ઉધઈ ખાઈ નથી ગઈ ને!
- રાજસ્થાનમાં પંજાબ નેશનલ બેન્કની શાખામાં મહિલાના લોકરમાં રાખેલા રૂ. 2.15 લાખ રોકડા ઉધઈ ઝાપટી ગઈ
- બેન્ક પ્રશાસન સામે પેસ્ટ કન્ટ્રોલ નહીં કરાવ્યા, યોગ્ય કાળજી નહીં લીધાના આક્ષેપ, ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરાઈ
ચોરી-લૂંટ સહિતની દુર્ઘટનાથી બચવા અને પોતાની જીવનભરની કમાણી સાચવવા માટે લોકો બેન્ક લોકરનો ઉપયોગ કરે છે. પરંતુ રાજસ્થાનની એક ઘટનાએ લોકોના હોંશ ઉડાવી દીધાં છે. હકીકતમાં એક મહિલાએ પોતાના લોકરમાં રૂ. 2.15 લાખની રોકડ મુકી હતી, જે ઉધઈ ઝાપટી ગયાની ચોંકાવનારી હકીકત બહાર આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ઉદયપુરમાં રહેતી સુનિતા મહેશભાઈ મહેતા નામની એક મહિલાએ પંજાબ નેશનલ બેન્કની સ્થાનિક શાખામાં એક લોકર ભાડે રાખ્યું હતું. હાલમાં જ તે પોતાનું લોકર ચેક કરવા માટે બેન્કમાં પહોંચ્યાં હતાં, જ્યાં લોકર ખોલતાં જ તેમના હોંશ ઉડી ગયા હતાં. કારણકે તેમણે પોતાના લોકરમાં રાખેલી રૂ. 2.15 લાખની રોકડ માટીનો ઢગલો થઈ ગઈ હતી. હકીકતમાં રૂપિયાના આ બંડલો ઉધઈ ચાંઉં કરી ગઈ હતી.
મહિલાએ બેન્ક અધિકારીઓને ફરિયાદ કરી તો તુરંત તો કોઈ યોગ્ય પ્રતિસાદ મળ્યો નહીં. પરંતુ ઉચ્ચકક્ષાએ ફરિયાદ જતાં છેવટે અધિકારીઓ દોડતાં થયા હતાં. મહિલાએ આક્ષેપ કર્યો છે કે બેન્ક પ્રશાસને યોગ્ય સમયે પેસ્ટ કન્ટ્રોલ નહીં કરાવવા ઉપરાંત યોગ્ય કાળજી નહીં રાખતાં તેમને આ નુક્સાન થયું છે. એટલું જ નહીં, આ શાખાના અન્ય કેટલાક લોકરોમાં પણ ઉધઈ પહોંચી હોવાની શંકાથી લોકર ભાડે રાખનારા ગ્રાહકોને તુરંત તેડાવાયા છે.
પ્રવર્તમાન સમયમાં રોકડ, સોના-ચાંદીના દાગીના કે જમીન-મકાનના દસ્તાવેજોની ફિઝિકલ કોપી બેન્ક લોકરોમાં મુકવાની પ્રથા પ્રચતિલ છે. પરંતુ રાજસ્થાનની આ ઘટનાએ સૌને ચોંકાવી દીધાં છે. આપ પણ આપના કોઈ રોકડ-દસ્તાવેજ બેન્ક લોકરમાં રાખ્યાં હોય તો એક વખત જરૂરથી ચેક કરાવી લેજો.