ચૌટાબજારના પૌરાણિક સંકટમોચન હનુમાનજી મંદિરનો પાટોત્સવ ઉજવાયો
- સુંદરકાંડ પઠન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદીનો લાભ પણ લીધો
માગસર વદ ચોથ, તા ૧૯/૧૨/૨૦૨૪ ગુરુવારે સુરત શહેરના ચૌટાબજાર સ્થિત પૌરાણિક શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિરે પાટોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે હનુમાનજીને ફુલ-હારનો શણગાર કરીને શેરીમાં લાઇટિંગ કરવામાં આવી હતી.
સર્વે ભક્તો માટે સાંજે ૫ વાગ્યે સુંદર કાંડના પાઠના પઠનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભકતોએ લાભ લીધો હતો. મંદિરના દેવ સેવક શ્રી અનિલભાઈ જાની, શ્રી બકુલભાઈ (જીતેન્દ્રભાઈ) જાની, શ્રી જયેશભાઈ જાની તથા ટ્રસ્ટી શ્રી જતીનભાઈ હોરા, શ્રી ભદ્રેશભાઈ કનિયાની ઉપસ્થિતિમાં કર્મકાંડી ભૂદેવ શ્રી અજયભાઈ જોશીએ સાંજે ૭ વાગ્યે હનુમાનજીની આરતી કરાવી વિવિધ જાતના પ્રસાદ તથા થાળ ધરાવ્યા હતાં.
આશિષ કાપડિયા, ભૌતિક ગાંધી, ભાવિન ત્રિવેદી, સેન્કી સોની, સમીર સોની, સંજય પટેલ, પ્રશાંત કાપડિયા, પ્રિન્સ ત્રિવેદી, પ્રશાંત સોની, લખન ત્રિવેદી, સંદીપ વરિયાવવાલા, રવિ ગાંધી, હિમાંશુ ચાપાનેરિયા, સરફરાજ દરજી તથા આજુબાજુના રહેવાસી-દુકાનદારોએ કાર્યક્રમને સફળ કરવા માટે જહેમત ઉઠાવી હતી. અંતે મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
અત્રે નોંધનીય છે કે શહેરની મધ્યમાં ગણાતાં ચૌટાબજાર સ્થિત સંકટમોચન હનુમાનજી મહારાજનું આ મંદિર પૌરાણિક છે અને શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર છે. દૂર સુદૂરથી અહીં લોકો દર્શનાર્થે આવે છે અને માનતા રાખી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. દર વર્ષે પરંપરાગત પાટોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી સાથે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ સંકટમોચન દાદાના સાંનિધ્યમાં કરવામાં આવે છે.