November 21, 2024

55 કિલો વજનના નિયમમાં બાંધછોડ કરવા ટેક્સ. વેપારીઓની માંગ

  • સતત બીજા દિવસે 55 કિલોથી વધુ વજનના પાર્સલ ઊંચકવાનું અને ટ્રાન્સ્પોર્ટેશન બંધ રહેતાં વેપારીઓને હાલાકી
  • ગુડ્ઝ ટ્રાન્સપોર્ટ એસો., લેબર યુનિયન અને વેપારી સંગઠનોની બેઠક યોજાઈ, આવતીકાલે ફરી સમાધાનના પ્રયાસ થશે

સુરત ટેક્સટાઈલ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ યુવરાજ દેશલે અને સુરત જિલ્લા ટેક્સટાઈલ માર્કેટિંગ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયનના પ્રમુખ ઉમાશંકર મિશ્રાએ જણાવ્યું હતું કે, મંગળવારે પણ 55 કિલોથી વધુ વજનના પાર્સલ ઉપાડવામાં આવ્યા ન હતા અને બાકીના 55 કિલો સુધીના વજનના પાર્સલોના રાબેતા મુજબ બુકિંગ થયા હતા. સોમવારની સરખામણીએ મંગળવારે 55 કિલોથી વધુ વજનના પાર્સલમાં ઘટાડો નોંધાયો છે, એટલે કે 55 કિલોના પાર્સલના નિયમને મોટાભાગના વેપારીઓએ અનુસરવાનું શરૂ કરી દીધું છે. આ સાથે ઘણી માર્કેટોમાં મેનેજમેન્ટ દ્વારા 55થી વધુ વજનના પાર્સલ બંધ કરવા અંગે જાહેર અનાઉન્સમેંટ પણ કરવામાં આવ્યું છે.

મજૂર યુનિયનના પ્રવક્તા શાન ખાને જણાવ્યું કે ફોસ્ટાએ અમને ચર્ચા માટે આમંત્રિત કર્યા હતા અને મીટિંગમાં તેઓએ વ્યાપારને લગતી કેટલીક ગૂંચવણો જણાવી છે. સાથે અમારા મજૂર યુનિયન અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પદાધિકારીઓની પણ બેઠક થઈ હતી. ફોસ્ટાએ નિયમમાં ફેરફાર કરવા માટે વિનંતી કરી છે. મજૂરોનું શારીરિક અને આર્થિક શોષણ અટકાવવું અમારી પ્રાથમિકતા છે. મજૂરોના આરોગ્ય અને તેમના માનવાધિકારને ધ્યાનમાં રાખીને આવતીકાલે તમામ ઘટકો સાથે મળીને સકારાત્મક નિર્ણય લેશે તેવી સંભાવના છે.

બેઠકમાં ઉમશંકર મિશ્રા, યુવરાજ દેશલે, મનોજ અગ્રવાલ, શાન ખાન, ચંપાલાલ બોથરા, દેવ પ્રકાશ પાંડે, નેહલ બુદ્ધદેવ, રાજેશ અગ્રવાલ, પુરુષોત્તમ અગ્રવાલ, રાહુલ પાંડે, નીરજ સિંહ, દીપચંદ પાંડે સહિત અન્ય ફોસ્ટા, મજૂર યુનિયન અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનનાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *