October 31, 2024

55 કિલોથી વધુ વજનના પાર્સલ રિજેક્ટ કરાતાં ટેક્સ.માર્કેટોમાં અફડાતફડી

  • નિયમથી વધુ વજનના પાર્સલો લાદેલા ટ્રક-ટેમ્પો વેપારીઓને ત્યાં પરત ફરવા માંડ્યા, પ્રશ્ન વધુ ગુંચવાય તેવા સંકેત
  • તા. 4થી જાન્યુ.એ યુનિયને અલ્ટીમેટમ આપી દીધું હતુંઃ 55 કિલોથી વધુનું પાર્સલ મજૂરો ઉપાડશે નહીં, ટ્રાન્સ્પોર્ટર્સ સ્વિકારશે નહીં

કાપડ-સાડીઓના પાર્સલ મુદ્દે સુરતની ટેક્સટાઈલ માર્કેટોમાં અફડાતફડીનો માહોલ શરૂ થયો છે. હકીકતમાં લેબર યુનિયનોએ 55 કિલોથી વધુ વજનનું પાર્સલ મજૂરો ઉઠાવશે નહીં અને ટ્રાન્સ્પોર્ટર્સ સ્વિકારશે નહીં તેવો નિયમ અમલી કર્યો હતો. તા. 15મીનું અલ્ટીમેટમ આ મુદ્દે અપાયું હતું. જો કે વેપારીઓ દ્વારા તેનો અમલ નહીં કરાતાં મુંઝવણની સ્થિતિનું નિર્માણ થયું છે. કારણકે ટ્રાન્સ્પોર્ટર્સે આજે સવારથી જ વધુ વજનના પાર્સલો સ્વિકારવાનું બંધ કરી દીધું છે.

સુરત જિલ્લા ટેક્સટાઈલ માર્કેટિંગ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયનના પ્રવક્તા શાનખાન પઠાણે જણાવ્યું હતું કે કાયદાકીય જોગવાઈઓ તેમજ મજૂરોની શારીરિક ક્ષમતાને આધારે સુરત ટેક્સટાઈલ ગુડ્ઝ ટ્રાન્સ્પોર્ટ એસો. સાથે મળી એવો નિર્ણય લેવાયો હતો કે સાડી-કાપડ સહિતના પાર્સલોનું વજન 55 કિલોથી વધુ રાખવાનું રહેશે નહીં. આ અંગે તેઓએ માર્કેટના અગ્રણી વેપારી એસો. ફોસ્ટા સાથે પણ મીટિંગ કરી હતી. જેમાં ફોસ્ટા દ્વારા 70 કિલો વજનના પાર્સલોને મંજૂરી આપવાની માંગ રાખવામાં આવી હતી, જે યુનિયનોએ નકારી કાઢી હતી.

તા. 15મીથી 55 કિલોથી વધુના પાર્સલો નહીં ઉઠાવાશે તેવું અલ્ટીમેટમ આપી દેવાયું હતું. દરમિયાન આજે કડોદરા સ્થિત અનેક ટ્રાન્સ્પોર્ટર્સે 55 કિલોથી વધુ વજનના પાર્સલો સ્વિકારવાનું બંધ કરી દીધું છે. જેને પગલે વેપારીઓના વધુ વજનના પાર્સલો લઈને નીકળેલા ટ્રક-ટેમ્પો વેપારીને ત્યાં પરત ફરવા માંડ્યા છે. એટલું જ નહીં, તમામ ટ્રાન્સ્પોર્ટર્સે આ નિયમોનું પાલન શરૂ કરી દેતાં આ પાર્સલોનું મેનેજમેન્ટ હવે કઈ રીતે કરવું તે પ્રશ્ન વેપારીઓ માટે મુંઝવણભર્યો બની ગયો છે.

શાન ખાને જણાવ્યું હતું કે કાયદાકીય રીતે મજૂરો પાસે 50 કિલોથી વધુ વજનના પાર્સલ ઉઠાવડાવવા એ ગુનો બને છે. પરંતુ પ્રેક્ટિકલી થોડી બાંધછોડ રાખીને 55 કિલો સુધીની છૂટ આપવામાં આવી છે. હવે આ નિયમનો અમલ થશે જ અને વેપારીઓએ તેમાં સહકાર આપવો જ પડશે. ટ્રાન્સ્પોર્ટર્સે 55 કિલોથી વધુ વજનના પાર્સલો રિજેક્ટ કર્યો હોવાના વીડિયો પણ વાઈરલ થતાં સ્થિતિ વધુ વણસે એવું લાગી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *