પંચમહાલમાં ભેદી બ્લાસ્ટ: 25 કિ.મી સુધી કંપન અનુભવાતા અફરાતફરી મચી
પંચમહાલના કાલોલના મલાવ નજીક આજે જોરદાર ધડાકો થતા અફરાતફરી મચી જવા પામી હતી. આ બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે, મલાવ સહિત આસપાસના 20થી 25 કિ.મી સુધીના વિસ્તારમાં તેની અસર જોવા મળી હતી. આ ભેદી ધડાકાના કારણથી અજાણ લોકોમાં ભૂકંપ આવ્યો હોય તેવો અનુભવ થતા અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો જેને પગલે લોકો બહાર દોડી ગયા હતા.
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, આજે સાંજે કાલોલના મલાવ નજીક ભેદી ધડાકો થયો હતો. જેના કારણે મલાવ સહિત આસપાસના 20થી 25 કિ.મી સુધીના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો મલાવ સહિત આસપાસના ગ્રામજનો ધડાકા દિશા તરફ તપાસ માટે દોડી આવ્યા હતા ત્યારે આ બ્લાસ્ટ પાણી પુરવઠા વિભાગના સંપ બનાવવાની કામગીરી દરમ્યાન પથ્થર તોડવા માટે ધડાકો કરાયો હોવાનું જાણવા મળ્યું હતુ. આ ધડાકાથી મોટા પથ્થરો 500 મીટર દૂર સુધી હવામાં ફંગોળાયા હતા. એટલું જ નહીં, આજુ- બાજુના મકાનો અને ફેકટરીઓ પણ ભેદી ધડાકાથી ધ્રુજી ઉઠી હતી ત્યારે મંજૂરી કરતા ખૂબ જ વધુ માત્રામાં વિસ્ફોટકનો ઉપયોગ કરાયો હોવાની ચર્ચા ઉઠી રહી છે.