પાલ સિદ્ધિવિનાયક મંદિરે અંગારકી ચોથ નિમિત્તે ભવ્ય ગણેશયાગ યોજાયો
- ચારો વેદોના વિદ્વાન વૈદિક વેદપાઠી બ્રાહ્ણણોના મંત્રોચ્ચારથી વાતાવરણ ગણેશમય બન્યું, અનેક મહાનુભાવોએ દર્શન કર્યાં
- સહસ્ત્ર મોદકમાં 1000 લાડુ સાથે અથર્વશીર્ષ પાઠ અને હવન યોજાયો, સાંજે સમૂહ હનુમાન ચાલીસા પઠન અને ભજન સંધ્યાએ રંગ જમાવ્યો
હિન્દુ શાસ્ત્રોમાં કહેવાયું છે કે કળિયુગમાં ગણેશજી અને હનુમાનજીની ભક્તિ ત્વરિત ફળ આપનારી છે. સુરત શહેરના પાલ સ્થિત હજીરારોડ ઉપર નૂતન અન્નપૂર્ણા મંદિરમાં સાક્ષાત સિદ્ધિવિનાયક બિરાજ્યા છે અને આ મંદિર ટૂંક સમયમાં જ શ્રદ્ધાનું અદકેરું ધામ બન્યું છે. ગણેશભક્તો માટે અંગારકી ચોથનો ખૂબ મોટો મહિમા છે, કારણકે સમગ્ર વર્ષ દરમિયાન માંડ એકાદ વખત અંગારકી ચોથ આવે છે. મંગળવારના દિવસે આવનારી ચોથને અંગારકી ચોથ કહેવાય છે.
તા. 10મી જાન્યુ. 2023ના રોજ પોષ સુદ ચોથ અંગારકી ચોથ હતી અને તે નિમિત્તે પાલ અન્નપૂર્ણા સિદ્ધિવિનાયક મંદિર ખાતે ભવ્યાતિભવ્ય કાર્યક્રમોનું આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારાકરવામાં આવ્યું હતું. સવારે 5 વાગ્યે પંચામૃત પૂજન અને અભિષેકથી શરૂ કરીને 7 વાગ્યે આરતી બાદ ગણેશયાગનો પ્રારંભ સવારે 8.30 વાગ્યે કરવામાં આવ્યો હતો. ચારો વેદોના વિદ્વાન વૈદિક વેદપાઠી બ્રાહ્મણો દ્વારા ગણેશ યજ્ઞ કરાયો હતો અને મંત્રોચ્ચારથી સમગ્ર વિસ્તાર ગણેશમય બની ગયો હતો.
બપોરે 2 વાગ્યે સહસ્ત્ર મોદકમાં 1000 લાડુ અર્પણ કરવા સાથે ગણપતિ અથર્વશીર્ષના પાઠ અને હવન કરવામાં આવ્યો હતો. સાંજે 5 વાગ્યાની આસપાસ વેદપાઠી બ્રાહ્મણો દ્વારા યજ્ઞની વિધિવત્ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટના પ્રમુખ નીતિનભાઈ મહેતા, મેયર હેમાલીબેન બોઘાવાલા, ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદી ઉપરાંત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. સાંજે 7 વાગ્યે સિદ્ધિવિનાયકજીની મહાઆરતી યોજાઈ હતી, જેમાં હજારો શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો.
આ ઉપરાંત સાંજે 7.30 વાગ્યે સમૂહ હનુમાન ચાલીસાનું પઠન તેમજ ભજન સંધ્યાનો કાર્યક્રમ પણ યોજાયો હતો. મંદિર ટ્રસ્ટના પ્રમુખ નીતિનભાઈ મહેતાએ જણાવ્યું હતું કે દર વર્ષે અંગારકી ચોથ નિમિત્તે સિદ્ધિવિનાયકજીના સાંનિધ્યમાં ભવ્યાતિભવ્ય યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાય છે. ઉપરાંત અન્નપૂર્ણા મંદિર અને એકલિંગજી મહાદેવજીના સાંનિધ્યમાં ચારેય નવરાત્રી, દિવાળી, સહિતના પર્વની શ્રદ્ધાપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ખૂબ જ ટૂંકા સમયગાળામાં મંદિરની પ્રસિદ્ધિ વધી છે અને ક્રમશઃ શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થવા સાથે મંદિર એક યાત્રાધામ તરીકે વિકસી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે ખાસ આયોજનો કરાઈ રહ્યાં છે. બહારગામના યાત્રાળુઓ પણ વધતાં મંદિરમાં તેઓ માટે ધર્મશાળા સહિતની વિશેષ સુવિધાઓ પણ ટૂંકમાં જ શરૂ કરાશે.