BUILD BETTER BONES: આજે વિશ્વ ઑસ્ટિયોપોરોસિસ દિવસ
૨૦ ઓક્ટોબરને ‘વિશ્વ ઑસ્ટિયોપોરોસિસ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વભરમાં લોકોને ઑસ્ટિયોપોરોસિસ બિમારી તેમજ તેના નિદાન અને સારવાર વિષે જાગૃત કરવાના ઉદ્દેશથી તેની ઉજવણી કરવામાં આવે છે. ઉંમર વધવાની સાથે હાડકાં નબળા પડતા હોય છે, પરંતુ આધુનિક જીવનશૈલીમાં આવેલા પરિવર્તનને કારણે હવે નાની ઉમરમાં જ આ બીમારી જોવા મળી રહી છે.
વર્ષ ૨૦૨૩માં વિશ્વ ઑસ્ટિપોરોસિસ દિવસની થીમ “હાડકાંને શ્રેષ્ઠ બનાવો”(BUILD BETTER BONES ) છે. જેનો ઉદ્દેશ્ય વિશ્વભરના લોકોને નિયમિતરૂપે હાડકાંની મજબૂતાઈ અને આરોગ્યની તપાસ કરાવવા માટે પ્રોત્સાહન આપવું તેમજ નિરોગી સ્વાસ્થય માટે સ્વસ્થ જીવનશૈલી અપનાવવી છે.
આ રોગ મોટે ભાગે સ્ત્રીઓમાં જોવા મળે છે. ખાસ કરીને ૫૦ વર્ષ કે તેથી મોટી ઉંમરની મહિલાઓમાં આ રોગનું જોખમ વધી જાય છે. કારણ કે, મેનોપોઝ દરમિયાન થતા હોર્મોનલ ફેરફારો હાડકાંની ડેન્સિટી(ઘનતા)ને સીધી અસર કરે છે. સ્ત્રીઓમાં જોવા મળતો એસ્ટ્રોજન હોર્મોન તંદુરસ્ત હાડકાં માટે જરૂરી છે. મેનોપોઝ પછી, એસ્ટ્રોજનનું સ્તર ઘટે છે. જે હાડકાની ઘનતામાં ઝડપી ઘટાડો કરે છે. આ કારણોસર, આજે દર ત્રણમાંથી એક મહિલા ઑસ્ટિયોપોરોસિસથી પીડિત છે. તો પુરૂષોમાં ૭૦ વર્ષની ઉંમર પછી આ રોગનું જોખમ વધી જાય છે. લગભગ દર પાંચમાંથી એક પુરૂષમાં તેના લક્ષણો જોવા મળે છે.
ડૉ. હરિ મેનન કહે છે કે, નવી સિવિલ હોસ્પિટલમાં દરરોજ ત્રણથી ચાર ઑસ્ટિયોપોરોસિસના દર્દીઓ દાખલ થાય છે. જેમની ઉંમર ૬૦-૭૦ કે તેથી વધુ છે. તેમનું કહેવું છે કે, નાની ઉંમરમાં ઑસ્ટિયોપોરોસિસ થવાનું મુખ્ય કારણ સ્ટેરોઇડ્સનું વધુ પડતું સેવન છે. જેના કારણે શરીરના સ્નાયુઓ નબળા થવા લાગે છે. સાથે જ કેન્સરમાં અપાતી કિમોથેરાપી અને એપીલેપ્સી(ખેંચ)માં વપરાતી દવાઓને કારણે પણ ઑસ્ટિયોપોરોસિસનું જોખમ વધી જાય છે.
હાડકાંની મજબૂતાઈ જાણવા અને આ રોગનું નિદાન કરવા માટે ડૉ. હરિ મેનન બોન મિનરલ ડેન્સિટી (BMD) ટેસ્ટ કરાવવા જણાવે છે. આ પરીક્ષણ દ્વારા, ડ્યુઅલ એનર્જી એક્સ-રે એબ્સોર્પ્ટિઓમેટ્રી (DEXA) મશીનની મદદથી હાડકાંની ઘનતાનું પરીક્ષણ કરવામાં આવે છે. જેમાં હાડકાની નબળાઈનું કારણ પણ જાણી શકાય છે.
*ઑસ્ટિયોપોરોસિસના દર્દીઓએ શું સાવચેતી રાખવી જોઈએ? *
• ભીના ફ્લોર પર સંભાળીને ચાલવું
• બાથરૂમમાં સપોર્ટ હેંગર્સ લગાવવા
ઑસ્ટિયોપોરોસિસથી બચવા માટેઃ-
• નિયમિત કસરત કરો
• તમારા આહારમાં કેલ્શિયમ લો.
• વિટામિન ડી, લીલા શાકભાજી, બાજરીને આહારમાં નિયમિત સ્થાન આપો
• સૂકા ફળો અને ખાટાં ફળોનું સેવન
• વિટામિન સીનું વધુ સેવન કરો
• ધૂમ્રપાન અને દારૂનું સેવન કરશો નહીં