November 21, 2024

2024 લોકસભા ચૂંટણીમાં ભાજપને 100 બેઠક જીતવા ફાંફાં પડી જશે

  • નીતિશ કુમારે જાહેર મંચથી કોંગ્રેસને ફોર્મ્યુલા આપીઃ કોંગ્રેસ જલ્દી નિર્ણય નહીં લેશે તો ભાજપ ફરી સત્તામાં આવી જશે
  • મારે વડાપ્રધાન નથી બનવું પરંતુ બદલાવ લાવવો છેઃ કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષો એકસાથે આવે તો ભાજપની હાર નિશ્ચિત

ભાજપ સાથે છેડો ફાડનારા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે જાહેર મંચ પરથી એક નિવેદન આપ્યું છે, જે ચર્ચાની એરણે ચઢ્યું છે. કોંગ્રેસને સલાહ આપતાં તેમણે કહ્યું કે જો તમે મારી વાત માનશો તો 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 100 બેઠકોની અંદર સમેટી શકીશું. કોંગ્રેસ જલ્દી નિર્ણય લે તે જરૂરી છે અને તમામ વિપક્ષો શક્ય તેટલા વહેલા એકજૂટ થઈને ચૂંટણી જીતવાની તૈયારી કરે.

પટનામાં CPI-MLના રાષ્ટ્રીય અધિવેશનના મંચ ઉપરથી નીતિશ કુમારે કોંગ્રેસને એક ફોર્મ્યુલા હોવાનું જાહેરમાં જ કહી દીધું હતું. મંચ ઉપર હાજર કોંગ્રેસી દિગ્ગજ નેતા સલમાન ખુરશીદને ટાંકીને તેમણે કહ્યું હતું કે હું દિલ્હી જઈને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળ્યો હતો અને ત્વરિત નિર્ણય લેવાનું પણ મેં તેમને જણાવ્યું હતું. નીતિશે ઉમેર્યું કે કોંગ્રેસે જલ્દી નિર્ણય લેવો જોઈએ અને દેશના તમામ વિપક્ષોને એકજૂટ કરી લેવા જોઈએ.

તેમણે એવી સ્પષ્ટતા પણ કરી કે હું વડાપ્રધાન પદ નથી માંગતો, આપણે સાથે મળીને તે નક્કી કરીશું. પરંતુ દેશભરના વિપક્ષ જો સાથે મળીને ચૂંટણી લડે, કઈ બેઠક પરથી કોને ચૂંટણી લડાવવી તેવી રણનીતિ ઘડવામાં આવે તો આપણી જીત નિશ્ચિત છે. ભાજપને આપણે 100 બેઠકની અંદર જ પછાડી શકીશું. પરંતુ કોંગ્રેસે મારી વાત માનવી પડશે, નહીંતર 2024માં ફરીથી ભાજપ સત્તામાં આવી જશે.

રાજકીય વિશ્લેષકો નીતિશ કુમારના આ સંબોધનનું અલગ રીતે પણ વિશ્લેષણ કરી રહ્યાં છે. તેઓ માને છે કે નીતિશ કુમારની ધીરજ હવે ખૂટી છે અને તેથી જ કોંગ્રેસને જાહેર મંચ પરથી આવી સલાહ આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *