November 23, 2024

રાજ્યમાં ક્રિકેટ રમતાં વધુ એક યુવકનું મોતઃ ઓલપાડનો યુવક ઢળી પડ્યો

  • રાજ્યમાં ક્રિકેટ રમતી વેળા મૃત્યુ પામનારા યુવકોની સંખ્યામાં ચિંતાજનક વધારો, મૃત્યુઆંક 6 થયો
  • નરથાણ ગામે નિમેષ આહિરનું મૃત્યુઃ બેટિંગમાં 42 રન ફટકાર્યા બાદ ફિલ્ડીંગ વેળા અચાનક ઢળી પડ્યો

ગુજરાતમાં ક્રિકેટ રમતી વેળા અચાનક મોતને ભેટનારા યુવકોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. આજે બપોરે ઓલપાડના નરથાણ ગામે ક્રિકેટ રમી રહેલાં નિમેષ આહિર નામના યુવકનું પણ આવી જ રીતે મોત થતાં આહિર સમાજ તેમજ સમગ્ર ઓલપાડ પંથકમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ઓલપાડના નરથાણ ગામે ક્રિકેટ મેચનું આયોજન કરાયું હતું. જો કે ભરબપોરે ગરમી વધતાં ક્રિકેટરો ઉપરાંત દર્શકોમાં પણ સુસ્તી જણાતી હતી. દરમિયાન નિમેષ આહિર નામનો 32 વર્ષીય યુવાન ફિલ્ડીંગ ટીમમાં હતો અને ફિલ્ડીંગ કરી રહ્યો હતો. પરંતુ અચાનક જ તે તમ્મર ખાઈને નીચે પટકાયો હતો અને થોડી જ પળોમાં બેહોંશ થઈ ગયો હતો.

નિમેષને નીચે પટકાયેલો જોઈ તમામ લોકો દોડી આવ્યા હતાં અને તેને પ્રાથમિક સારવાર માટે લઈ ગયા હતાં, પરંતુ તે પૂર્વે જ તેના પ્રાણપંખેરૂં ઉડી ગયા હતાં. પોસ્ટમોર્ટમ અર્થે તેના મૃતદેહને સુરત નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે. નિમેષના મોતને પગલે આહિર સમાજ ઉપરાંત સમગ્ર ઓલપાડ પંથકમાં ગમગીની ફરી વળી છે.

નોંધનીય છે કે ગુજરાતમાં ક્રિકેટ રમતી વેળા અચાનક મૃત્યુ થવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે જે ચિંતાજનક છે. અગાઉ સેલુત ગામના પણ એક યુવકનું આજ રીતે મોત થયું હતું. અગાઉ અમદાવાદમાં 33 વર્ષીય વસંત રાઠોડ, રાજકોટના 30 વર્ષીય જિજ્ઞેશ ચૌહાણ, રાજકોટના જ 40 વર્ષીય ભરત બારૈયા તેમજ સુરતના 26 વર્ષીય પ્રશાંત ભારોલિયાનું પણ ક્રિકેટ રમવા દરમિયાન મોત નીપજ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો