October 31, 2024

બજેટમાં ગરીબ અને સામાન્ય માણસ માટે કશું નથીઃ શાન ખાન

  • કોંગ્રેસી નેતાની ટકોર, ગેસ, પેટ્રોલ અને રોજીંદી ચીજ-વસ્તુઓના ભાવને કાબુમાં લેવા કોઈ જ આયોજન નથી
  • મોંઘવારી અને બેરોજગારીથી લોકો ત્રસ્ત છે અને આર્થિક અસમાનતા, દેશનું દેવું ઘટાડવા પણ કોઈ પગલાં સૂચવાયા નથી

કેન્દ્રીય બજેટ પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા શાન ખાને કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. શાન ખાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ બજેટમાં ગરીબો અને સામાન્ય માણસ માટે કોઈ જોગવાઈ નથી. ગરીબોને મોદી સરકારમાં નિરાશા સિવાય કંઈ મળી રહ્યું નથી. હાલ દેશ મોંઘવારી અને બેરોજગારીથી ખરાબ રીતે ત્રસ્ત છે, આવી સ્થિતિમાં આ બજેટમાં મોંઘવારી અને બેરોજગારી ઘટાડવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ગેસ, પેટ્રોલ અને રોજબરોજની ચીજવસ્તુઓના ભાવને કેવી રીતે કાબૂમાં લેવા તથા તેને ઘટાડવા માટે કોઈપણ કામ કરવામાં આવ્યું નથી.

જ્યારથી મોદી સરકાર સત્તામાં આવી છે ત્યારથી જ એ દરેક બજેટમાં ખોટા અને પોકળ દાવા અને વચનો આપે છે, પરંતુ આજે દેશની અર્થવ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. CMIEના રિપોર્ટ અનુસાર દેશમાં બેરોજગારીનો દર 8 ટકાથી ઉપર પહોંચી ગયો છે. ઓક્સફોમના તાજેતરના રિપોર્ટ અનુસાર દેશમાં ભયંકર રીતે આર્થિક અસમાનતા વધી રહી છે. દેશનાં માત્ર 1% લોકો પાસે દેશની 40% સંપત્તિ છે. દેશ પર 155 લાખ કરોડનું દેવું છે, જે 2014માં માત્ર 54 લાખ કરોડ હતું.

ભારતનો વિકાસદર સરેરાશ 3થી 4 ટકા છે જ્યારે અગાઉની યુપીએ સરકારના કાર્યકાળમાં વિકાસદર 6થી 7 ટકા હતો. દેશમાં ભૂખમરો વધ્યો છે. ડોલર સામે રૂપિયો ઐતિહાસિક નીચા સ્તરે છે. મોદી સરકાર દરેક મોરચે નિષ્ફળ સાબિત થઈ છે. હવે દેશની જનતા તેમની વિદાયની તૈયારી કરી રહી છે, કારણ કે જનતાને ખબર પડી ગઈ છે કે જ્યાં સુધી તેઓ સત્તામાં છે ત્યાં સુધી દેશને વિનાશ અને દુઃખ સિવાય કશું મળવાનું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *