November 22, 2024

કેન્દ્ર અને રાજ્યમાં ગૃહમંત્રી જૈન, છતાં જૈનો ઉપર અત્યાચાર?

  • શેત્રુંજય તીર્થ ખાતે અસામાજિક તત્વોના આતંકના વિરોધમાં નવસારીના જૈન વેપારીઓએ બંધ પાળ્યો
  • પવિત્ર પાલિતાણાને અસામાજિક તત્વોની ચુંગાલમાંથી મુક્ત કરાવવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
  • જૈનોના સન્માનમાં નવસારીના અન્ય ધર્મના કેટલાક વેપારીઓએ પણ બંધ પાળી સહકાર આપ્યો

ગુજરાત રાજ્યના પાલિતાણા સ્થિત જૈનોના પવિત્ર તીર્થધામ શેત્રુંજય ખાતે અસામાજિક તત્વોની વધી રહેલી કનડગત, અત્યાચારના વિરોધમાં આજે નવસારીના જૈન વેપારીઓએ બંધ પાળ્યો હતો. સમસ્ત જૈન સમાજ, નવસારી જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ તેમજ નવસારી મેટલ મર્ચન્ટ્સ એન્ડ મેન્યુફેક્ચર્સ એસો.ના અધ્યક્ષ રાકેશ શર્માની અધ્યક્ષતામાં આજે જૈન વેપારીઓએ પોતાની દુકાનો, વેપાર બંધ રાખી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

આવેદનપત્રમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ ઝારખંડમાં જૈનોના પવિત્ર તીર્થધામ સમ્મેત શિખરજીને પર્યટન સ્થળ તરીકે વિક્સાવવાના નિર્ણયનો વિરોધ કરી રહ્યાં છે, અલબત્ત ઝારખંડ સરકારે પોતાનો આ નિર્ણય પરત ખેંચ્યો છે અને સમ્મેત શિખરજી માત્ર જૈન તીર્થધામ રહેશે, જે સરાહનીય છે. પરંતુ પાલિતાણા સ્થિત શેત્રુંજય જૈન તીર્થધામ ખાતે અસામાજિક તત્વોનો અત્યાચાર સતત વધી રહ્યો છે. જૈન મંદિરોમાં તોડફોડ ઉપરાંત જૈન મહારાજ સાહેબો ઉપર શારીરિક હુમલા, હત્યાના પ્રયાસ જેવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.

એવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે કેન્દ્રમાં અમિત શાહ અને રાજ્યમાં હર્ષ સંઘવી ગૃહમંત્રી છે અને બંને જૈન ધર્મી જ છે. છતાં પણ જૈન ધર્મીઓ ઉપર આવો અત્યાચાર થઈ રહ્યો છે. દેશની બહાર આવું બને તો પણ અસહ્ય છે, પરંતુ ભારત દેશ કે જ્યાં કેન્દ્રમાં અને ગુજરાત રાજ્યમાં બંને ભાજપની બહુમતિથી ચૂંટાયેલી સરકાર છે અને ગૃહમંત્રીઓ પણ જૈન છે, તો જૈન ધર્મીઓ ઉપરનો અત્યાચાર કઈ રીતે સાંખી લેવાય? તેમણે અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી પાલિતાણાને અસામાજિક તત્વોની ચુંગાલમાંથી મુક્ત કરાવવા વિનંતી કરી હતી. જૈન વેપારીઓના સહકારમાં સત્તાપીર સ્થિત પારસી બાવાની દુકાન નાણાવટી એન્ડ કંપની ઉપરાંત અન્ય કેટલાક વેપારીઓએ પણ પોતાની દુકાનો બંધ રાખી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *