નર્મદા ડેમ છલકાયો:CMએ કર્યુ પુજન:અસરગ્રસ્તોનું કરાયું સ્થળાંતર
નર્મદા ડેમના લોકાર્પણને આજે પાંચ વર્ષ પૂર્ણ થતાં સીએમ નર્મદા ડેમ પહોંચ્યા હતા અને વિધિવત પૂજન અર્ચન કર્યું હતું. જો કે મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલાં વરસાદને પગલે નર્મદા ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે જેથી સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી સિઝનમાં પ્રથમવાર 138.68 મીટરે નોંધાઈ છે. જે મહત્તમ સપાટીએ પહોંચી જતાં મોડી રાત્રે કેટલાંક વિસ્તારોમાંથી પાણીમાં ફસાયેલાં કેટલાંક લોકોને બચાવીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતા તેમજ પૂરની પરિસ્થિતિમાં જાનમાલનું નુકશાન ન થાય એ માટે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
જો કે હાલમાં ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની જળ સપાટી 31 ફૂટ પહોંચી છે. નર્મદા નદીએ ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી લીધી છે. અહીં ભયજનક સપાટીનું લેવલ 24 ફૂટ છે, જ્યારે હાલ નદી 31 ફૂટે વહી રહી છે ત્યારે નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા અલર્ટ કરાયા છે. પાણીની આવક વધતા કરજણના પુરા ગામના તમામ લોકોને અન્ય સ્થળે સ્થળાંતર કરાયા છે તેમજ આલમપુરા, લીલીપુરા, દિવાબેટ જેવા ગામોના લોકોને પણ અન્ય સ્થળે સ્થળાંતર કરાયા છે જેથી જિલ્લાના નર્મદા કિનારે કાંઠા વિસ્તારોમાંથી અત્યાર સુધી કુલ 668 લોકોનું સ્થળાંતર કરાયું છે.
આ સાથે જ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ અગાહીના પગલે NDRF 6 બટાલિયન રાજ્યના વિવિધ વિસ્તરીમાં 5 ટીમ તૈનાત કરવામાં આવી છે. ગુજરાતમાં ખાસ કરીને ભરૂચ, વડોદરા, નર્મદા, જૂનાગઢ અને રાજકોટમાં એક એક ટીમ તૈનાત કરવામાં આવી છે