વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જન્મદિવસે દેશને આપી અનોખી ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યશોભૂમિ કન્વેન્શન અને એક્સ્પો સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન
આ યોજનાથી 30 લાખ પરિવારોને થશે ફાયદો
પીએમ વિશ્વકર્મા યોજનાથી જુદા જુદા 18 જેટલા કારીગરોની હસ્તકલાને પ્રોત્સાહન મળશે
આજે સમગ્ર દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી કરી રહ્યો છે અને આ ઉજવણીના ભાગરુપે ઠેરઠેર કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ ત્યારે આ દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના દ્વારકામાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર યશોભૂમિના પ્રથમ ફેઝનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે જ PM વિશ્વકર્મા યોજના પણ આજે શરૂ થશે. આ ઉપરાંત દ્વારકામાં નવી મેટ્રો લાઇનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
યશોભૂમિ કન્વેન્શન સેન્ટરનો પ્લેનરી હોલ મુલાકાતીઓને વિશ્વ કક્ષાનો અનુભવ આપશે. આ સમગ્ર કેન્દ્રના નિર્માણનો ખર્ચ 5400 કરોડ રૂપિયા છે આ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટરનું પરિસર 8 લાખ 90 હજાર ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. અહીં 11 હજારથી વધુ પ્રતિનિધિઓની બેઠક ક્ષમતા છે તેમજ 15 કોન્ફરન્સ રૂમ, 13 મીટિંગ રૂમ અને એક ગ્રાન્ડ બોલરૂમ પણ બનાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત વડાપ્રધાને પરંપરાગત કારીગરો માટે પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરી હતી આ યોજનાનો ઉદ્દેશ્ય દેશના લાખો કારીગરોને સમૃદ્ધિના માર્ગ પર લઈ જવાનો છે. PM વિશ્વકર્મા સ્કીમ લગભગ 13 હજાર કરોડ રૂપિયાની છે જેમાં કારીગરોને આર્થિક મદદ માટે લોન પણ આપવામાં આવશે. એટલું જ નહીં, કૌશલ્ય વધારવા માટે તાલીમ પણ આપવામાં આવશે.
પોતાના જન્મ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકા સેક્ટર 21થી યશોભૂમિ દ્વારકા સેક્ટર 25 સુધી દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ લાઇનના વિસ્તરણનું ઉદ્ઘાટન પણ કર્યું હતુ અને આ પહેલાં દિલ્હી મેટ્રોમાં મુસાફરી પણ કરી હતી.