સુરતનું ટ્રસ્ટ વિવિધ ક્ષેત્રે ખ્યાતિપ્રાપ્ત નારીરત્નોનું સન્માન કરશે
- મેયર તેમજ મહિલા કોર્પોરેટરોથી શરૂઆત કરાશેઃ સંસ્કૃતિ શિક્ષણ અને સમાજ સેવા ટ્રસ્ટની જાહેરાત
- સન્માનપાત્ર અન્ય મહિલાઓના નામો સંસ્થાને મોકલાશે તો તેઓનું પણ ઉચિત સન્માન કરવા સંકલ્પ
સુરતથી કાર્યરત રાષ્ટ્રીય સંસ્થા સંસ્કૃતિ શિક્ષણ અને સમાજ સેવા ટ્રસ્ટ તેમજ નેશનલ કાઉન્સિલ ફોર હ્યુમન રાઈટ્સ એન્ડ કોન્સ્ટિટ્યુશનલ રાઈટ્સ દ્વારા સુરત શહેર ઉપરાંત રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ, વિવિધ ક્ષેત્રે બહુમૂલ્ય યોગદાન આપનાર ખ્યાતિપ્રાપ્ત નારીરત્નોનું સન્માન કરવાનું આયોજન કરાયું છે. સંસ્થાના રાષ્ટ્રીય પ્રમુખ એરવદ ફરોખભાઈ કેરસી રુવાલા દસ્તૂર (કુમાર બાવાજી) અને ઉપપ્રમુખ શ્રીમતિ અમિષા ફરોખભાઈ રુવાલા (માયા કુમાર)એ આ પ્રકારની જાહેરાત કરી છે.
સંસ્થાના નારીસન્માન અભિયાનનો પ્રારંભ સુરત શહેરના મહિલા મેયર શ્રીમતિ હેમાલીબેન બોઘાવાલાને સન્માનિત કરવા સાથે કરાશે. ત્યારબાદ વિવિધ ક્ષેત્રે ખ્યાતિપ્રાપ્ત મહિલા અગ્રણીઓ, મહિલા કોર્પોરેટરો, વિગેરેનું પણ યોગ્ય પ્રતિક પુરસ્કાર સાથે સન્માન કરાશે.
પ્રમુખ ફરોખ રુવાલાએ વધુમાં જણાવ્યું હતું કે અન્ય સન્માનપાત્ર મહિલાઓના નામો સંસ્થાને ધ્યાને લાવવામાં આવશે તો તેઓનું પણ ઉચિત સન્માન કરવામાં આવશે. આ માટે મોબાઈલ નંબર 99044 19797 ઉપર સંસ્થાના પ્રમુખનું ધ્યાન દોરવાનું રહેશે.