મુઝફ્ફરપુરમાં બાળકો ભરેલી બોટ નદીમાં ડૂબી :20ને બચાવાયાં
ગુરુવારે મુઝફ્ફરપુરમાં બાગમતી નદીમાં સ્કૂલનાં બાળકોથી ભરેલી બોટ નદીમાં ડૂબી ગઈ હતી. ગાયઘાટ બેનિયાબાદ ઓપી ખાતે થયેલાં આ અકસ્માતમાં બોટમાં 30થી વધુ બાળકો સવાર હતાં અને અત્યાર સુધીમાં 20 બાળકોને બહાર કાઢવામાં આવ્યાં છે જ્યારે 10થી વધુ ગુમ બાળકોની શોધખોળ ચાલી રહી છે. આ માટે એસડીઆરએફની ટીમ ગાયઘાટ અને બેનિયાબાદ પોલીસ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બાગમતીમાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
ઘટના અંગે મળતી માહિતી મુજબ, દરરોજની જેમ 30 થી વધુ બાળકો બોટમાં બેસી સ્કૂલે જઈ રહ્યા હતા ત્યારે પાણીના જોરદાર પ્રવાહના કારણે બોટનું સંતુલન ગુમાવી દેતાં નદીમાં પલટી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં ત્યારે બીજી તરફ, મુખ્યમંત્રી નીતિશ કુમાર નવનિર્મિત પીકુ વોર્ડનું ઉદ્ઘાટન કરવા મુઝફ્ફરપુર પહોંચવાના હતા અને તેમના આગમન પહેલાં જ આ મોટી દુર્ઘટના સર્જાતાં દોડધામ મચી ગઈ હતી.