આજે મોકડ્રીલ, લોકો સતર્ક અને જાગૃત રહે

- સુરત સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને નાગરિકોની સુરક્ષા જાગૃત્તિ અંગે મોકડ્રીલના આયોજન અંગે પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ
- આજે સાંજે ૪.૦૦ થી ૮.૦૦ વાગ્યા દરમિયાન મોકડ્રીલ યોજાશે: સાંજે ૪.૦૦ વાગ્યે સાયરન વાગશે: રાત્રે ૭.૩૦ થી ૮.૦૦ દરમિયાન બ્લેક આઉટ કરવામાં આવશે
- સંભવિત યુદ્ધની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત અને જાગૃત્ત રાખવા માટે મોકડ્રિલ ‘ઓપરેશન અભ્યાસ’ યોજાશે: જિલ્લા કલેક્ટર
- બ્લેક આઉટમાં નાગરિકોને ઘરના બલ્બ, ટ્યૂબલાઈટ્સ સ્વયંભૂ બંધ રાખવા: ફ્રિઝ, એસી સહિતના અન્ય ઉપકરણો બંધ કરવાની જરૂર નથી: પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત
- રેલ્વે અને બસ સેવા તેમજ ઈમજન્સી સેવાઓ કાર્યરત રહેશે : મ્યુ. કમિશનર શાલીની અગ્રવાલ નાગરિકોને ભયભીત ન થવા અને અફવાઓથી દુર રહેવા પ્રશાસનની અપીલ
- લોકોને સતર્ક અને જાગૃત્ત કરવા માટે સુરત શહેર અને જિલ્લામાં છ સ્થળોએ’ઓપરેશન અભ્યાસ’ મોકડ્રીલ યોજાશે:
માહિતી બ્યુરો,સુરત:બુધવાર: પહેલગામ આતંકી હુમલા પછી ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ સંદર્ભે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આજે તા.૭ મેના રોજ નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ હાથ ધરવા માટે નિર્દેશ આપ્યો હતો. જેના અનુસંધાને સુરત સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને શહેર-જિલ્લાના સાંસદ, ધારાસભ્યો તથા અન્ય પદાધિકારીઓ સાથે મોકડ્રીલના આયોજન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. કલેક્ટરશ્રીએ મોકડ્રીલના સૂચિત એક્શન પ્લાન અંગે સૌને માહિતગાર કર્યા હતા. કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય એ માટે કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, કોઈ આપત્તિ દરમિયાન ઝડપી પ્રતિસાદ માટે તંત્ર તથા નાગરિકો બંને તૈયાર રહે એ મોકડ્રીલનો મુખ્ય હેતુનું આયોજન થઈ રહ્યું છે. આજે તા.૭મીએ સાંજે ૪.૦૦ થી ૮.૦૦ વાગ્યા દરમિયાન મોકડ્રીલ યોજાશે. સાંજે ૪.૦૦ વાગ્યે મહાનગરપાલિકાના ૫૧ સ્થળો, ઈન્ડસ્ટ્રીઝો તથા અન્ય અહેલેબલ સ્થળોએ બે મિનિટ સાયરન વાગશે. શહેર-જિલ્લાના છ સ્થળોએ મોકડ્રીલ શરૂ થશે. જેમાં કટોકટીની સ્થિતિમાં સંભવિત હવાઇ હુમલા, આગ જેવા કિસ્સામાં બચાવની કામગીરી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા, ફસાયેલાં વ્યક્તિઓને સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરી કરવામાં આવશે. ઈમરજન્સી સેવાઓ શરૂ રહેશે. રાત્રે ૭.૩૦ થી ૮.૦૦ દરમિયાન બ્લેક આઉટ કરવામાં આવશે. જેમાં સૌને જોડાવાની અપીલ કરી હતી. જેમાં લોકોએ ઘરના બલ્બ, ટ્યૂબલાઈટ્સ સ્વયંભૂ બંધ રાખવાની અપીલ કરી હતી. મોકડ્રીલ એ માત્ર લોકોને સતર્ક અને જાગૃત્ત કરવાનો સામૂહિક અભ્યાસ હોવાથી ‘ઓપરેશન અભ્યાસ’ નામ આપવામાં આવ્યું છે એમ જણાવી કલેક્ટરશ્રીએ ઉમેર્યું કે, સુરક્ષા તંત્ર અને નાગરિકોની પૂર્વતૈયારીનો ઓપરેશન અભ્યાસનો હેતુ રહેલો છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે કહ્યું કે, જાહેર સલામતી માટે ઓપરેશન અભ્યાસ- મોક ડ્રિલ માટે પોલીસ તંત્ર સજ્જ છે. બ્લેક આઉટ દરમિયાન તમામ ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવશે. લોકોએ ભયભીત ન થવા અપીલ કરી હતી. રેસ્ક્યુ, બચાવ, રાહત માટે પોલીસ, આરોગ્ય સેવા, ફાયર સહિતના મહત્વના વિભાગોને સતર્ક રાખવા માટે પોલીસ તંત્રની તૈયારીઓ વિષે વિગતો આપી હતી. મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું કે, શહેરી વિસ્તારના ૫૧ સ્થળોએ તેમજ ઇન્ડસ્ટ્રીઝ તેમજ સાયરન ધરાવતા સ્થળો, એકમોમાં બે મિનિટ માટે સાયરન વાગશે. સાંજે ૭.૩૦ થી ૮.૦૦ ના બ્લેક આઉટ દરમિયાન શહેર જિલ્લાની સ્ટ્રીટ લાઇટ્સ, આઉટડોર ડિસ્પ્લે બોર્ડસ, હોર્ડિંગ્સ, દુકાનો શોરૂમ્સની ટ્રાફિક સિગ્નલો, ઇન્ડસ્ટ્રીઝની લાઈટ્સ, ઘરની લાઈટ્સ બંધ રહેશે. લોકોએ ઘરના બલ્બ, ટ્યૂબલાઈટ્સ સ્વયંભૂ બંધ રાખે તેવી અપીલ કરી હતી. રેલ્વે, ઈમરજન્સી અને બસ સેવા કાર્યરત રહેશે.

બેઠકમાં સાંસદ મુકેશભાઈ દલાલ, મેયર દક્ષેશ માવાણી, ધારાસભ્ય સંદીપ દેસાઈ, સંગીતા પાટીલ, ઈશ્વર પરમાર, પૂર્ણેશભાઈ મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, મનપાના સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજનભાઈ પટેલ, સંગઠન શહેર પ્રમુખ પરેશભાઈ પટેલ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.-00-