October 31, 2024

બેંગ્લુરુ યેલહંકામાં 20 ફેબ્રુ. સુધી માંસ-માછલી વેચવા ઉપર પ્રતિબંધ, કારણ?

  • યેલહંકાના એરફોર્સ સ્ટેશનની આસપાસના 10 કિ.મી.માં માંસાહારની તમામ દુકાનો, હોટલો બંધ રાખવા સરકારી ફરમાન
  • 13મીથી 17મી ફેબ્રુ. સુધી ચાલનારો એરો ઈન્ડિયા શો કારણભૂતઃ માંસના ટુકડા લઈને ફરતાં પક્ષીઓ દુર્ઘટના સર્જી શકે તેવી ભીતિ

કર્ણાટકની રાજધાની બેંગ્લુરુના યેલહંકામાં તા. 30મી જાન્યુ.થી તા. 20મી ફેબ્રુ. સુધી માંસ, માછલી, ચિકન જેવી માંસાહારી વસ્તુઓના વેચાણ કે ખાવા ઉપર પ્રતિબંધ લાદી દેવાયો છે. સરકારે યેલહંકા સ્થિત ભારતીય વાયુસેનાના એરફોર્સ સ્ટેશનની 10 કિ.મી.ની ફરતેના તમામ નોનવેજની દુકાનો, હોટલો, રેસ્ટોરન્ટ્સને આ ફરમાન જારી કર્યું છે અને તેનો કડક અમલ કરાવવા પણ સ્થાનિક પ્રશાસનને તાકીદ કરી દીધી છે.

આ પ્રતિબંધ પાછળની હકીકત એવી છે કે યેલહંકા સ્થિત ઈન્ડિયન એરફોર્સના સ્પેસ સ્ટેશન ઉપર તા. 13મી થી તા. 17મી ફેબ્રુઆરી સુધી એક એર શો યોજાવાનો છે. આ એર શોમાં જુદા જુદા 80 દેશોના પ્રતિનિધિ ભાગ લેશે અને અંદાજે 731 પ્રદર્શન યોજાશે. એટલે કે સ્વાભાવિક રીતે જ આ એર શો ખૂબ જ મહત્વનો છે અને તેનું ઉદ્ઘાટન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરે તેવી તજવીજ શરૂ કરાઈ છે.

એર શોને માંસાહાર ઉપરના પ્રતિબંધને શું લાગે વળગે? તો તેને માટે ખુલાસો કરાયો છે કે માંસાહાર એટલે કે ચીકન, માંસ, મટન, માછલી જેવી વસ્તુઓ જાહેરમાં વેચાય, ખવાય તો તેના ટુકડા માટે પક્ષીઓ મોટી સંખ્યામાં ભેગા થાય છે. એટલું જ નહીં, માંસના આ ટુકડા લઈને તેઓ આકાશમાં આંટા મારતાં હોય છે. જેથી એર શો અને તેની પ્રેક્ટિસ દરમિયાન જો હવામાં ઉડતા પક્ષીઓની સંખ્યા વધુ હોય તો એરક્રાફ્ટ સાથે અકસ્માતની શક્યતા વધુ રહે છે. જેથી આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવાનું સરકારે જાહેર કર્યું છે. એટલું જ નહીં, અગાઉ પણ સરકારે આ પ્રકારે એર શો દરમિયાન મીટની દુકાનો, હોટલો બંધ કરાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *