Love Jihad:હિંદુ યુવતીઓને ફસાવવાના પૈસા મળતા હોવાની આરોપીએ કરી કબુલાત
સુરતના પાંડેસરા વિસ્તારમાં આરોપીએ પોતાનું નામ બદલી સગીરાને પોતાના પ્રેમજાળમાં ફસાવી સગીરા સાથે દુષ્કર્મ આચરી જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાયું હોવાની વાત સામે આવી છે. પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે ત્યારે પૂછપરછ દરમિયાન તેણે ચોંકાવનાર ખુલાસા કરતાં જણાવ્યું હતુ કે, હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેમનું ઘર્મપરિવર્તન કરવાના અને તેમની સાથે લગ્ન કરવાના ટાર્ગેટ અપાય છે અને આ કામના પૈસા પણ મળે છે.આ સાંભળીને પાંડેસરા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
ઘટના અંગે વિગતે જોઈએ તો, રિઝવાન ગફર શાહ નામના વિધર્મી યુવકે પહેલા હિંદું સગીરા સાથે મીઠી મીઠી વાતો કરીને તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને પોતાની વિધર્મી તરીકેની ઓળખ છુપાવવા તેણે પોતાનું નામ કરણ જણાવ્યું હતુ. યુવકની વાતોમાં આવી ગયેલી સગીરાને તે દિલ્લી લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની સાથેના ફોટો વાયરલ કરવાની ધમકી આપીને જબરજસ્તી સગીરાનું ધર્મ પરિવર્તન કરાવી દીધું હતું.
જો કે આ દરમિયાન સગીરાએ એક વર્ષ બાદ પુત્રીને જન્મ આપતા વિધર્મી રિઝવાનની અસલિયત સામે આવી હતી. સગીરાને યુવકના અન્ય હિન્દૂ યુવતી સાથે સબંધ હોવાની જાણ થતાં તેણે યુવકનો પ્રતિકાર કરતા યુવકે યુવતીને ધમકી આપીને ખુલાસો કર્યો કે, હિંદુ છોકરીઓને ફસાવવાના તેને પૈસા મળતા હતા અને સુરતની જેમ જ મુંબઈમાં પણ આરોપીએ યુવતીને ફસાવી હતી. આ વિગતો સામે આવતા જ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.