ઓળખ છુપાવીને મહિલા સાથે શારીરિક સંબંધ બાંધનારની હવે ખેર નથી
ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે લોકસભામાં ત્રણ બિલ રજૂ કર્યા. જેમાં ભારતીય ન્યાય સંહિતા બિલ 2023, ભારતીય નાગરિક સુરક્ષા બિલ 2023, અને ભારતીય સાક્ષ્ય બિલ 2023 સામેલ છે. આ ત્રણેય પ્રસ્તાવિત કાયદા આઈપીસી 1860, ક્રિમિનલ પ્રોસિજર એક્ટ 1898 અને ભારતીય સાક્ષ્ય (પુરાવા) અધિનિયમ 1872ની જગ્યા લેશે. આ બિલ મુજબ ઓળખ છૂપાવીને કોઈ મહિલા સાથે લગ્ન કરવા કે ખોટા વચનની આડમાં શારીરિક સંબધ બનાવવા પર હવે 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે. શુક્રવારે લોકસભામાં એક બિલ રજૂ કરવામાં આવ્યું જેમાં આવા ગુનાઓને પહોંચી વળવા માટે આ પ્રસ્તાવ રજૂ કરાયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 1860ની ભારતીય દંડ સહિતા (આઈપીસી) ને બદલવા માટે લોકસભામાં ભારતીય ન્યાય સંહિતા (BNS) વિધેયક રજૂ કર્યું અને કહ્યું કે, તેમાં મહિલાઓ વિરુદ્દ ગુનાઓ સંબંધિત જોગવાઈઓ પર વિશેષ ધ્યાન અપાયું છે.
અમિત શાહે કહ્યું કે, લગ્ન, રોજગાર, પદોન્નતિનું વચન અને ખોટી ઓળખની આડમાં મહિલાઓ સાથે સંબંધ બનાવવા એ અપરાધની શ્રેણીમાં આવશે. લગ્નનો ખોટો વાયદો કરીને બળાત્કાર કરવાનો દાવો કરનારી મહિલાઓના કેસને કોર્ટમાં પતાવટ કરાય છે પરંતુ આઈપીસીમાં તેના માટે કોઈ વિશેષ જોગવાઈ નથી. આ બિલની હવે એક સ્થાયી સમિતિ દ્વારા તપાસ કરવામાં આવશે.
બિલમાં કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિ ખોટા વચન આપીને શારીરિક સંબધ બનાવે તો તેને રેપની શ્રેણીમાં રાખવામાં આવતો નથી પરંતુ હવે આવું કરવા બદલ દંડની જોગવાઈ હશે. તેને વધુમાં વધુ 10 વર્ષની સજા કરવામાં આવશે. આ ઉપરાંત દંડની પણ જોગવાઈ છે.’
અત્યાર સુધી આઈપીસીમાં આ પ્રકારના અપરાધોને પહોંચી વળવા માટે કોઈ જોગવાઈ હતી નહીં. આઈપીસીની કલમ 90માં એટલું કહેવાયું હતું કે જો કોઈ વ્યક્તિ જાણકારી છૂપાવીને શારીરિક સંબંધ બનાવે તો તેને સહમતિથી બનાવેલો સંબંધ કહી શકાય નહીં પણ નવા કાયદામાં તેને સ્પષ્ટ રીતે અપરાધ ગણાવતા દંડની પણ જોગવાઈ છે. તેમાં છળનો અર્થ ધાર્મિક ઓળખ છૂપાવીને લગ્ન કરવા કે પછી શારીરિક સંબંધ બનાવવો પણ છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિલને રજૂ કરતા કહ્યું કે, એવા લોકો હોય છે કે જેઓ શારીરિક સંબંધ બનાવવા માટે ખોટી ઓળખ આપે છે. હવે સરકાર તેને અપરાધની શ્રેણીમાં લાવી રહી છે. એવા અનેક મામલાઓ સામે આવ્યા છે કે જ્યાં મહિલાઓ લગ્નના વચન પર શારીરિક સંબંધ બનાવવાની સહમતિ આપે છે કે પછી તે જેની સાથે સંબંધમાં છે તે પોતાની વૈવાહિક સ્થિતિ, ઓળખ છૂપાવીને દગો કરે છે. એવા પણ કેસ સામે આવે છે જ્યારે વ્યક્તિ પોતાની ધાર્મિક ઓળખ વિશે ખોટું બોલે છે. હવે આ તમામ બાબતો અપરાધની શ્રેણીમાં આવશે અને કડક સજાની જોગવાઈ રહેશે.